ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી વધુ કાર્યકર્તાઓ ધરાવતી રાષ્ટ્રીય પાર્ટી છે. ત્યારે ભાજપ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં તેમના દમ પર અને કાર્યકર્તાઓની શક્તિના ભરોસે જુનાગઢનો જંગ જીતવા માટે આગળ આવશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ ભાજપને તેમના કાર્યકર્તાઓ અને ઉમેદવારો કરતા કોગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર વધુ ભરોસો હોય તેવું જણાઈ આવે છે.
વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ઉમેદવારો પાસેથી ઉમેદવારી પત્રક પરત ખેંચી લેવડાવામાં ભાજપના નેતાઓ સફળ થયા હતા. જેને પરિણામે વોર્ડ નંબર 3 ચૂંટણી પહેલા ભાજપ માટે બિન હરીફ બન્યો હતો. ફોર્મ પરત લેવાના અંતિમ દિવસે કોંગ્રેસના વોર્ડ નંબર 12 અને 9ના એક ઉમેદવારે તેમનું ઉમેદવારી પત્રક પરત લઇ લીધું હતું. જેને કારણે કોંગ્રેસની શક્તિમાં ઘટાડો થયો હતો.
સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં નાના કાર્યકરો ચૂંટણી જગમાં હોય છે અને તેના સહારેજ કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી જીતવાની રણનીતિ બનાવતો હોય છે. પરંતુ ભાજપને તેના સ્થાનિક કાર્યકરો અને નેતાઓ પર જાણે કે ભરોષો બિલકુલના હોય તેમ એક ડઝન કરતા પણ વધુ રાજ્ય સરકારના પ્રધાનો, સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમુખો પ્રદેશ કક્ષાના નેતાઓ કેન્દ્ર સરકારના પ્રધાનો સહીત મોટો કાફલો ઉતારીને નબળી કહી શકાય તેવી કોંગ્રેસ સામે ચૂંટણી જીતવા મેદાને પડયા છે.
બીજી તરફ કોંગ્રેસે ચૂંટણીમાં કંઈ પણ ખોવા જેવું નહીં હોવાને કારણે તે પણ ભાજપનો ખેલ જોઈ રહી છે. ટિકિટ ફાળવણી બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરાએ રાજીનામું આપીને નિષ્ક્રિય થઇ ગયા છે. તો જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી પણ ટિકિટની ફાળવણીના વિરોધની વચ્ચે પણ કોંગ્રેસના જે ઉમેદવારો ચૂંટણી જંગમાં બચ્યા છે તેનો પ્રચાર કરી રહયા છે. કોંગ્રેસની ટિકિટ ફાળવણીને લઈને જે પ્રકારે જુનાગઢ શહેર કોંગ્રેસે પ્રદેશ કોંગ્રેસ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો તે હવે સામે આવી રહ્યો છે. જેનું નુકસાન કોંગ્રેસને થઇ રહ્યું છે.