જૂનાગઢ: આગામી 21 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે, ત્યારે આ સત્રમાં ખાસ કરીને પાક વીમા અને જૂનાગઢ જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને કારણે ધારાસભ્યો દ્વારા ઉગ્ર ચર્ચા થઇ શકે છે. વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ વિધાનસભાના અધ્યક્ષને પાક વીમા અને અતિવૃષ્ટિને કારણે ગૃહમાં 2 કલાક ચર્ચા કરવાની માગ કરી છે.
આ માગને લઇને વિધાનસભાના ગૃહમાં આ મામલો વધુ ગરમાઈ શકે છે. કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ માગ કરી હતી કે, જો વિધાનસભાના અધ્યક્ષ ખેડૂતોના પાક વીમો અને અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાન બાબતે તેમને ગૃહમાં ચર્ચા કરવા માટે 2 કલાકનો સમય નહીં ફાળવે તો આવી પરિસ્થિતિમાં તેઓ ગૃહનું સંચાલન ઠપ કરી દેશે.