જૂનાગઢ: ઊના વિધાનસભા બેઠક પરના ભાજપના ધારાસભ્ય કાળુ ચના રાઠોડે પોતાની હત્યાની સોપારી ભૂમાફિયાઓ દ્વારા આપવામાં આવી છે તેવી આશંકા વ્યક્ત કરતા રાજકીય ગલિયારાઓમાં ભૂકંપ આવી ગયો છે. ઉનામાં આયોજિત થયેલા સમૂહ લગ્નોત્સવમાં જાહેર મંચ પરથી ભાષણ આપતા ધારાસભ્ય કે.સી રાઠોડે તેમની હત્યા કરાવવાનું કાવતરુ ભૂમાફિયાઓ એ ઘડ્યું છે અને તેની સોપારી પણ આપી દેવમાં આવી છે તેવી આશંકાઓ વ્યક્ત કરી હતી.
જાહેર મંચ પરથી હત્યાની કરી વાત: જાહેર મંચ પરથી ધારાસભ્ય કે.સી રાઠોડે એ વાતનો સ્વીકાર કરતા ઉપસ્થિત લોકો સમક્ષ જણાવ્યું હતું કે તેમની હત્યા કરવાનું ષડયંત્ર ઘણા લાંબા સમયથી ભૂમાફિયાઓ દ્વારા રચવામાં આવી રહ્યું છે. ભૂમાફિયાઓ અને કેટલાક બુટલેગરોની સાંઠગાંઠથી કોઈ શાર્પ શૂટરો તેમની હત્યા કરી નાખશે તેવી આશંકા પણ જાહેર મંચ પરથી ધારાસભ્ય કે.સી રાઠોડે વ્યક્ત કરી છે.
સુરક્ષાને લઈને બંદોબસ્ત: જાહેર મંચ પરથી તેમની હત્યાની આશંકાને લઈને પોલીસ પણ એક્શનમાં આવી હતી. પોલીસે અગમચેતીના પગલાં લઈને ધારાસભ્યની સુરક્ષાને લઈને બે એસઆરપી જવાનો તૈનાત કરી દીધા હતા. ધારાસભ્યએ ભૂમાફિયાઓ અને બુટલેગરો દ્વારા રાજ્ય બહારના બુટલેગરોને સોપારી આપી હોવાનું સનસનીખેજ ખુલાસો પણ કર્યો છે. જોકે સમગ્ર મામલામાં ધારાસભ્ય કે.સી રાઠોડે કોઈ વ્યક્તિનું નામ હજુ સુધી જાહેર કર્યું નથી પરંતુ તેમની હત્યાની આશંકા સતત વ્યક્ત કરી છે.
આ પણ વાંચો Ahmedabad Congress: અદાણી સામે કૉંગ્રેસનો વિરોધ, કહ્યું LICના ખાતાધારકોના કરોડો રૂપિયા જોખમમાં
ભૂમાફિયા અને બુટલેગરોને પડદા પાછળ રાજકીય પીઠબળ: ધારાસભ્ય કે.સી રાઠોડે તેમની હત્યાની આશંકા વ્યક્ત કરી છે તેની પાછળ કોઈ રાજકીય પીઠબળ ચોક્કસ પણે કામ કરે છે તેવો દાવો કર્યો હતો. ભૂમાફિયા અને બુટલેગરોના પીઠબળ તરીકે ચોક્કસ પણે રાજકીય ઇચ્છાશક્તિ જોવા મળે છે. જેને કારણે બુટલેગરો અને ભુ-માફિયાઓ બેફામ બનીને કોઈ પણ ગુનો આચરવા માટે ખચકાટ અનુભવતા નથી માટે તેમની હત્યાની જે સોપારી આપવામાં આવી છે તેવા બુટલેગરો અને ભૂમાફિયાઓ પાછળ પણ કોઈ રાજકીય દોરી સંચાર છે.