- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આયારામ ગયારામની મોસમ
- માણાવદર તાલુકાના પાટીદાર અગ્રણીઓ ભાજપના સક્રિય કાર્યકર અને કેટલાક સરપંચો કોંગ્રેસમાં જોડાયા
- નિતીન ફળદુ પણ ભાજપમાંથી અલગ થયા હતા
જૂનાગઢઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાટીદાર અગ્રણીઓ સહિત કેટલાક ગામના સરપંચ અને ભાજપના સક્રિય કાર્યકરો આજે કોંગ્રેસમાં જોડાયા હતા અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને સંગઠિત બની ભાજપને પરાજય આપવા માટે કોંગ્રેસમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છેે કે બે દિવસ અગાઉ નિતીન ફળદુ પણ ભાજપ માંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારથી એવું લાગી રહ્યું હતું કે વધુ કેટલાક પાટીદાર અગ્રણીઓ અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ શકે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ માટે સારા સમાચાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢ જિલ્લામાંથી કોંગ્રેસ માટે સારા સમાચાર મળી રહ્યા છે. જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને વર્ષ 2017માં માણાવદર વિધાનસભા ચૂંટણી લડેલા નિતીન ફળદુએ પક્ષની રીતી અને નીતિ સામે અસંતોષ વ્યક્ત કરીને ભાજપને રામ રામ કરી દીધા હતા, ત્યારે આજે માણાવદર અને વંથલી તાલુકાના ભાજપના કેટલાક સક્રિય સરપંચો કાર્યકરો અને પાટીદાર અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો
ભાજપના સક્રિય કાર્યકરો આજે કોંગ્રેસમાં જોડાયા
આજે ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. તેમાં મુખ્ય અગ્રણી તરીકે નીતિન ફળદુના ભાઈ શરદ ફળદુ સહિત માણાવદર અને વંથલી તાલુકાના ભાજપના કેટલાક સક્રિય કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાવાની સાથે કાર્યકરોએ ભાજપ સામે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આવનારી વિધાનસભાની ચૂંટણીઓ અને વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને કારમો પરાજય આપીને દેશના બંધારણનું રક્ષણ થાય અને આપણી લોકશાહી પરંપરા જળવાઈ રહે તે માટે તમામ કાર્યકરોને ખભેથી ખભો મિલાવીને ચૂંટણીના કામમાં લાગી જવાની હાકલ પણ કરવામાં આવી હતી.