- બાંટવા ખારાડેમ નજીકથી પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર
- વનવિભાગ સ્ટાફે આ અંગે તપાસ હાથ ધરી
- પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ બહાર આવશે
જૂનાગઢ : માણાવદર તાલુકાના બાંટવાના ખારાડેમ પાસે રેવન્યુ વિસ્તારમાંથી ટીટોડી, બંગલા, બતક, નકટો સહિતના 53 પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર પ્રસરી છે. આ અંગે વનવિભાગે તપાસ હાથ ધરી છે.
10 ટીટોડીના મૃતદેહોને જૂનાગઢ પી.એમ.માટે મોકલવામાં આવ્યા
આ અંગે મળતી વિગતો અનુસાર માણાવદરના બાંટવા નજીકના ખારાડેમ પાસેના રેવન્યુ વિસ્તારમાંથી પક્ષીઓના મૃતદેહ પડયા હોવાની મળેલ બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પરથી ટીટોડી - 46, બંગલા 3, નકટો 1, બતક 3 મળી કુલ 53 પક્ષીઓના મૃતદેહ મળી આવતા વેટરનરી ડોક્ટર ફળદુને બોલાવ્યા હતા. તેઓએ પ્રાથમિક નિરીક્ષણ કરતા ફુડ પોઇઝનીંગ અથવા ઠંડીથી મૃત્યુની આશંકા દર્શાવી છે. તેમણે જણાવ્યું કે, આટલી મોટી સંખ્યામાં પક્ષીઓના મોત પાછળ કોઇ રોગચાળો પણ હોઇ શકે. તેનું સાચું કારણ જાણવા 10 ટીટોડીના મૃતદેહોને જૂનાગઢ પી.એમ.માટે મોકલવામાં આવ્યા છે. આ મળી આવેલ પક્ષીઓમાં 46 ટીટોડી, 3 બગલી, નટકો 1, બતક 3 સમાવેશ થાય છે. પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ બહાર આવશે. આ પક્ષીઓના સામુહિક મોતથી પક્ષી પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી ગઈ છે.