જૂનાગઢ : આગામી 48 કલાક દરમિયાન અરબી સમુદ્રમાં આકાર લઈને આગળ વધી રહેલું સંભવિત વાવાઝોડું બિપારજોય ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના ત્રાટકવાની પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે ગીરમાં આંબાવાડીયાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને ઇજારેદારોમાં પણ ભારે ઉચાટભર્યું વાતાવરણ જોવા મળે છે. સંભવિત વાવાઝોડું સૌરાષ્ટ્રમાં પહોંચી જાય તો કેરીના તૈયાર પાકને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતોએ આંબા પરથી કેરીઓ ઉતારીને જૂનાગઢ સહિત આસપાસના માર્કેટિંગ યાર્ડમાં મોકલવાની શરૂઆત કરી છે. જેને પગલે જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ કેરીની આવકથી ઉભરાયેલું જોવા મળે છે.
કેરીની બમ્પર આવક : બિપોરજોય વાવાઝોડાના સંભવિત ખતરાના કારણે જૂનાગઢ સહિત તાલાળા અને આસપાસના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની બમ્પર પ્રમાણમાં આવક જોવા મળે છે. વાવાઝોડાની શક્યતાઓ ઊભી થતા કેરીના બજાર ભાવમાં પણ હવે અચાનક ઘટાડો જોવા મળે છે. નીચામાં 250 થી લઈને સારી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેરીના 550 પ્રતિ 10 કિલોના ભાવથી હરાજી થઈ રહી છે. એક તરફ માર્કેટ યાર્ડમાં કેરીની આવક વધતા તેમની નકારાત્મક અસર બજાર ભાવો પર પણ જોવા મળે છે. જેને કારણે કેરીના બજાર ભાવો ગગડતા જોવા મળે છે.
વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે ત્યારે તૈયાર કેસર કેરીનો માલ વાવાઝોડાના કારણે ખરાબ ન થઈ જાય તેને ધ્યાને રાખીને ઇજાદેદારો અને ખેડૂતો કાચો પાકો માલ પણ બજારમાં મોકલી રહ્યા છે. જેને કારણે કેરીની આવકમાં ખૂબ મોટો વધારો થયો છે. ખેડૂત સંભવિત વાવાઝોડાની સામે ટક્કર ઝીલી શકે તેમ નથી જેથી જે બજાર ભાવ મળે તે બજાર ભાવમાં પણ કેરીનું વેચાણ કરી રહ્યો છે...ઉમેશ સોલંકી (ઇજારેદાર)
એપીએમસીના અધિકારીનો પ્રતિભાવ : જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધિકારી હરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પાછળના દિવસો દરમિયાન કેરીની આવકમાં વધારો જોવા મળે છે. ગઈકાલે 24,000 કરતાં વધુ 10 કિલોના બોક્સની આવક થઈ હતી. હવે જ્યારે વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. ત્યારે આગામી દિવસોમાં કેરીની આવકમાં ચોક્કસપણે વધારો થતો જોવા મળશે. અત્યાર સુધીમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 7 લાખ કરતાં વધારે 10 કિલોના બોક્સની આવક થઈ છે. પરંતુ વાવાઝોડાને કારણે આવકમાં અચોક્કસ વધારો થાય તેવી શક્યતાઓ પણ છે.
- Cyclone Biporjoy Update: રાજ્યમાં "બિપરજોય" વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, હવામાન વિભાગે આપી માહિતી
- Cyclone Biparjoy Update: સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને એક્શન પ્લાન તૈયાર
- Biparjoy Cyclone: વાવાઝોડાની આગાહી વચ્ચે પોરબંદરની ચોપાટી પર પ્રવાસીઓ સેલ્ફી લેવામાં મસ્ત