જૂનાગઢ: જૂનાગઢની નિરાલી દેવાણીએ અભ્યાસની સાથે કંઈક નવું કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અભ્યાસના સમય બાદ મળતા ખાલી સમયમાં તે રેઝિન મટીરીયલ દ્વારા રાખડીની સાથે અનેક અવનવી વેરાઈટીઓ બનાવી રહી છે. જે વર્તમાન સમયમાં રેઝિન મટીરીયલ ખૂબ જ ચર્ચામાં જોવા મળે છે. ફેશનની દુનિયામાં રેઝિન મટીરીયલ દ્વારા બનાવવામાં આવતી રાખડી સહિત અનેક ગિફ્ટ આર્ટીકલનો દબદબો જોવા મળે છે. જૂનાગઢમાં અભ્યાસની સાથે શોખને પૂરો કરીને આર્થિક કમાણી કઈ રીતે થઈ શકે તેનું ખૂબ જ જીવંત ઉદાહરણ નિરાલીએ પૂરું પાડ્યું છે.
રાખડીની ભારે ડિમાન્ડ: રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનામાં આવી રહ્યો છે ત્યારે ફેશનની દુનિયામાં અત્યારે રેઝિન મટીરીયલ દ્વારા બનાવવામાં આવેલા ગિફ્ટ આર્ટીકલની ખૂબ જ માંગ જોવા મળે છે. નિરાલી પણ આગામી દિવસોમાં રેઝિન મટીરીયલમાંથી રાખડી બનાવવાને લઈને કમર કસી લીધી છે. ગઈકાલ સુધી તેને ગુજરાત બહારથી રેઝિન રાખડીના 200 જેટલા ઓર્ડર પ્રાપ્ત થયા છે જે હૈદરાબાદ, દિલ્હી, ઇન્દોરથી આવી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે આજ રેજિન રાખડીની ડિમાન્ડ દુબઈના ગ્રાહકોએ પણ કરી છે જેને લઈને પણ આગામી દિવસોમાં નિરાલી દ્વારા બનાવવામાં આવેલી રેઝિન રાખડી દુબઈ જેવા અતિ વિકસિત શહેરમાં રક્ષાબંધનના તહેવારોમાં જોવા મળશે.
'અભ્યાસની સાથે શોખ પણ પૂરો થાય છે તે માટે તેણે રેઝિન મટીરીયલમાંથી રાખડી બનાવવાની શરૂઆત કરી આજે તે પોતાનો શોખ પૂરો કરી રહી છે. સાથે સાથે રાખડીના વેંચાણમાંથી તે આર્થિક વળતર પણ મેળવી રહી છે જે તેના શિક્ષણ પાછળ ખર્ચી રહી છે. વધુમાં આધુનિક સમયમાં બદલતા જતા ફેશનના યુગમાં શોખને ફેશનનું માધ્યમ બનાવીને આર્થિક કમાણી કઈ રીતે કરી શકાય તેનો વિચાર તેને આવ્યો અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી તેનો શોખ તેણે પ્રદર્શિત કર્યો છે.' -નિરાલી, રેઝિન રાખડી બનાવનાર
સોશિયલ મીડિયાના માધ્યમથી ઓર્ડર: નિરાલીને Instagram થકી રાખડીના ઓર્ડરો ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશોમાંથી પણ મળી રહ્યા છે. અભ્યાસ કરવાની સાથે અવનવું કરવાનો શોખ આવા ઓર્ડરો થકી પૂરો થતો હોય છે જેમાંથી આર્થિક ઉપાર્જન પણ થાય છે. નિરાલી તેના શિક્ષણ પાછળ ખર્ચ કરીને આર્થિક રીતે પગભર પણ બની રહી છે. રેઝિન મટીરીયલમાંથી બનાવવામાં આવેલી રાખડી ₹50થી લઈને 110 રૂપિયા સુધી બજારમાં વેચાઈ રહી છે જેમાં રક્ષાબંધનના ખાસ તહેવાર માટે ભાઈ અને ભાભી તેમજ ખાસ બાળકોને પસંદ આવે તે પ્રકારની રાખડીઓ તે બનાવી રહી છે અને જેની ડિમાન્ડ આજે ગુજરાત બહારના રાજ્યો અને વિદેશોમાં પણ જોવા મળે છે.
ફેશન જગતમાં રેઝિન મટીરીયલની માંગ: રેઝિન રાખડીની બનાવટ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. રસાયણોને મિશ્રણ કરીને તેમાંથી અલગ અલગ આકાર કલર અને રંગ જે આકર્ષક લાગે તે પ્રકારના મોલ્ડમાંથી બનાવવામાં આવી રહી છે જેમાં વ્યક્તિ પોતાનો ફોટો પણ રાખી શકે છે. વધુમાં આ રાખડીમાં કુદરતી રીતે મળતા ફૂલોની પાંદડીઓ કંકુ ચોખા સહિત ધાતુ કે સોનાના આર્ટીકલોને પણ રેઝિન મટીરીયલ દ્વારા બીબામાં ઢાળીને તેને આકર્ષક રંગરૂપ આપી શકાય છે. જે ફેશનની દુનિયામાં વર્તમાન સમયમાં નવું માનવામાં આવે છે. આ રાખડીનો ઉપયોગ કિચન સહિત અન્ય ગિફ્ટ આર્ટીકલ તરીકે પણ થઈ શકે છે.