ગીરપંથકમાં ઉપરવાસમાં સારો વરસાદ થતાં માળીયાહાટીનાં તાલુકાની મેધલ નદીમાં નવા નીરની આવક થઈ ચુકી છે. જયારે મેઘલ નદી ઉપરનો ભાખરડ ડેમ ઓવરફ્લો થતાં ખેડુતોમાં ખુશી જોવામળી છે. ખાસ કરીને માળીયાહાટીનાં માંગરોળ સહીતનાં પંથકમાં વરસાદ નહીવત પ્રમાણમાં થયો છે અને કુવાઓ પણ ખાલીખમ છે ત્યારે ગીરપંથકનાં ઉપરવાસમાં વરસાદ થતાં ભાખરડ ડેમ ઓવરફ્લો થયો છે. અને ખેડુતોનાં ખાલીખમ કુવામાં નવા પાણીની આવક થવાની આશા બંધાઇ છે.
ગીર પંથકનાં ઉપરવાસમાં વરસાદ થતાંની સાથે જ માળીયાહાટી તાલુકાનાં વડાળા ગામે કહેવાતો ધોધમનો ધોધ છલકાય જતાં આ ધોધ જોવા પ્રવાસીઓ ઉમટી પડયા હતા. વળી યુવાનો આ ધોધમાં બેસીને જોખમી સેલ્ફી સેશન કરતાં પણ નજરે જોવા મળ્યાં હતા અને ગીર પંથકમાં સારી એવી મેઘ મહેર થતાં ગીરની પ્રકૃતિનો અનેરો નજારો જોવા મળી રહ્યો હતો.