જૂનાગઢ: મહાશિવરાત્રીનો મેળો સોમવારથી વિધિવત શરૂ થઈ રહ્યો છે. આ મેળામાં મુખ્ય આકર્ષણ સમગ્ર દેશમાંથી આવતા નાગા સંન્યાસીઓ અને તેમનાં દર્શન માટે આવતા શિવભક્ત હોય છે, પરંતુ સાથો સાથ આ મેળામાં કેટલીક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ઉતારા મંડળની વ્યવસ્થાઓ કરવામાં આવે છે.
આ ઉતારા મંડળમાં મેળામાં આવેલા સાધુ-સંતો તેમજ યાત્રિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વર્ષે બે દિવસ અગાઉ ભવનાથ તળેટીમાં આપાગીગાના ઓટલ દ્વારા અહીં આવતા યાત્રિકો અને શિવભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
શિવરાત્રીનો મેળો નાગા સન્યાસી અને તેની રવેડી માટે વિશ્વપ્રસિદ્ધ છે, જેને લઇને શિવરાત્રીના દિવસે ગિરનાર તળેટીમાં લાખોની સંખ્યામાં શિવભક્તો રવેડીના દર્શન કરવા માટે આવતા હોય છે. જેને ધ્યાને લઇને વિવિધ મંડળો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા અહીં આવતા પ્રવાસીઓ અને શિવભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે.
આ વર્ષે અહીં મોટી સંખ્યામાં નાના મોટા વેપારીઓ પણ પોતાના ધંધા-રોજગારને લઈને ગીરી તળેટીમાં આવી પહોંચ્યા છે. ત્યારે આવા લોકોને પણ ભોજન અને પ્રસાદની કોઈ અગવડતા ન પડે તે માટે ભોજન પ્રસાદની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી રહી છે.