ગીર અને જૂનાગઢના સિંહોની ડણક આજે દેશના સીમાડાઓ વટાવીને યુરોપના દેશો સુધી પહોંચી છે. એશિયામાં એક માત્ર ભારતમાં જોવા મળતા સિંહો સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. જૂનાગઢમાં આવેલું અને એશિયાનું સૌથી જૂનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સિંહો માટે આજે પણ વિખ્યાત છે. અહીં સિંહોની પ્રજાતિને સુરક્ષિત રીતે રાખી તેના ક્રમિક વિકાસને લઈ આજે પણ વન વિભાગ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં વન વિભાગને તેમની ધારણા મુજબ સફળતા પણ મળી રહી છે. જેને લઈ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના સિંહોની માગ દેશ અને વિદેશોમાં જોવા મળી રહી છે. જેને કેન્દ્ર સરકારની અનુમતિ બાદ પ્રાણીઓની આપ-લે કરવામાં આવી રહી છે.
125 વર્ષ કરતા પણ વધુ જુના અને જૂનાગઢના નવાબ મહોબતખાન દ્વારા નિર્માણ કરવામાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી અત્યાર સુધીમાં કુલ 208 જેટલા સિંહોને વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં મોકલવામાં આવ્યા છે. જે પૈકી 31 જેટલા સિંહો ઈંગ્લેન્ડ, સિંગાપુર, મલેશિયા, સ્વીઝર્લેન્ડ સહિતના 7 જેટલા દેશોમાં મોકલવામાં આવ્યા છે. તેમજ જે-તે સમયે રશિયન સર્કસ દ્વારા પણ ગીરના સિંહોની માગ કરવામાં આવી હતી. તેને પણ જૂનાગઢના સિંહ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત 177 જેટલા સિંહો દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં મોકલવામાં આવ્યા છે.
સિંહોની ભૂમિ તરીકે જાણીતા ગીર અને જૂનાગઢમાં સિંહોના બદલામાં ચિત્તો, ગેંડો, હિપ્પોપોટેમસ અને રીંછ સહિતના પ્રાણીઓ અને પક્ષીઓ જૂનાગઢની ભેટ છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દેશનું એક માત્ર પ્રાણી સંગ્રહાલય હશે કે અહીંથી મોકલવામાં આવેલા સિંહોની ડણક વિદેશોના સીમાડાઓ વટાવી ચુકી છે.