જૂનાગઢ : 15/10/2023ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં આવેલા સંવર્ગ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને જુનાગઢ શહેરમાં કુલ 72 પરીક્ષા કેન્દ્રો પર વર્ગ 3ની મહેસુલી સેવા સાથે જોડાયેલી પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષા પૂર્વે 16,928 જેટલા ઉમેદવારોએ નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણની પરીક્ષામાં બેસવા માટે આવેદનપત્ર રજૂ કર્યું હતું. ત્યારે પરીક્ષાના દિવસે કુલ 8,868 જેટલા પરીક્ષાર્થીઓ જ હાજર રહ્યા હતા.
જિલ્લા કલેકટર કચેરીએ આપી વિગતો : શાંતિપૂર્ણ વાતાવરણમાં અને કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર ગુજરાત જાહેર સેવા આયોગ ની પરીક્ષા પૂર્ણ થઈ છે. પરીક્ષાની વિગતો જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા માધ્યમોને પૂરી પાડવામાં આવી છે. જેમાં હાજર પરીક્ષાર્થીઓની સંખ્યાની સામે 8,060 જેટલા ઉમેદવારો પરીક્ષામાં ગેર હાજર રહ્યા હતા. જે 50 ટકાની આસપાસનો આંકડો સામે આવે છે. દર વર્ષે જાહેર પરીક્ષાઓમાં આજ પ્રકારનો માહોલ જોવા મળે છે. આવેદનપત્ર રજૂ કરતાં પરીક્ષાર્થીઓની સામે પરીક્ષાના સમયે પરીક્ષા ખંડમાં ઉપસ્થિત રહેતા પરીક્ષાઓની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો જોવા મળે છે. થોડા મહિના પૂર્વે જ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૨ ની પરીક્ષાનું આયોજન થયું હતું, જેમાં પણ જૂનાગઢ કેન્દ્ર પર 70 ટકા કરતાં વધુ પરીક્ષાથીઓ પરીક્ષા કેન્દ્રથી દૂર રહ્યા હતા.