જુનાગઢ : આજથી વર્ષો પૂર્વે ગરીબથી લઈને તવંગર વર્ગના પ્રત્યેક વ્યક્તિએ કોટન કેન્ડી કે સુતરફેણીનો સ્વાદ ચોક્કસપણે માણ્યો હશે. બદલાતા જતા સમયમાં આજે કોટન કેન્ડી કે સુતરફેણીની ડિમાન્ડ સતત ઘટતી જાય છે. પરંતુ આજે પણ તે બજારમાં ચોક્કસપણે જોવા મળે છે. ઉત્તર પ્રદેશના ખાસ કારીગરો દ્વારા કોટન કેન્ડી બનાવવામાં આવે છે. જેના થકી કારીગરો નાના પાયે પરંતુ પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે છે. આ કારીગરો આજે પણ ગૃહ ઉદ્યોગ ચલાવી વર્ષો જૂની કલા કારીગરીને જીવંત રાખી સાથે તેમાંથી સ્વરોજગારી પણ પ્રાપ્ત કરી રહ્યા છે.
કોટન કેન્ડી : ઉત્તર પ્રદેશના સ્થાનિક કારીગરો અને નાના પાયાના લઘુ ઉદ્યોગકારો દ્વારા કોટન કેન્ડી કે સુતરફેણીને સ્થાનિક સ્તરે ઉત્પાદિત કરવામાં આવે છે. તેમાંથી જ આ લોકો સ્વરોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. સુતરફેણીની ડિમાન્ડ શનિ-રવિના રજાના દિવસ, તહેવાર અને કોઈ ખાસ પ્રસંગે ખૂબ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં તેને કોટન કેન્ડી કે સુતરફેણી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હિન્દી ભાષી રાજ્યોમાં તેને બુઢ્ઢીના બાલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
![લુપ્તપ્રાય થતી વાનગીને સાચવી રહ્યા છે ઉત્તર પ્રદેશના કારીગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-08-2023/19287822_1.jpg)
મર્યાદિત માંગ : એક સમયે ગામડામાં ખૂબ જ દબદબો ધરાવતી આ સુતરફેણી ધીમે ધીમે મર્યાદિત બની રહી છે. ખાસ કરીને ગામડામાં અભ્યાસ કરતા પ્રત્યેક બાળકે તેના જીવનમાં આ મીઠાઈનો સ્વાદ ચોક્કસ પણે માણ્યો હશે. પરંતુ હવે તે માત્ર રજાના દિવસ, તહેવાર કે હરવા ફરવાના સ્થળ પર મર્યાદિત બની રહ્યી છે.
100 ગ્રામ ખાંડમાંથી અંદાજે 8 થી 10 નંગ સુતરફેણી કે કોટન કેન્ડી બને છે. સુતરફેણી બનાવવા માટે ખાંડની સાથે ખાદ્ય કલરનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ વિશેષ બનાવવામાં આવેલું મશીન અને ગેસના માધ્યમથી ખાંડને ગરમ કરીને રૂના તાંતણાની માફક એકદમ આકર્ષક રંગબેરંગી કે કોટન કેન્ડી કે સુતરફેણી બનાવવામાં આવે છે.-- આકાશ (કોટન કેન્ડી બનાવનાર કારીગર)
કોટન કેન્ડીના કારીગર : જુનાગઢમાં સુતરફેણીના વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્તર પ્રદેશના વેપારીએ આ અંગે પ્રતિભાવ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ખાંડમાંથી બનાવવામાં આવતી આ સુતરફેણીની માંગ આજે પર્યટન સ્થળોએ વધુ છે. રજા તેમજ તહેવારના દિવસોમાં વિશેષ માંગ જોવા મળે છે. આવા દિવસોમાં પ્રતિ દિવસ ત્રણ થી પાંચ હજાર રૂપિયા સુધીનો વેપાર થાય છે. જેના કારણે આ લોકોનું જીવન નિર્વાહ થઈ રહ્યું છે.
વિસરાતી વાનગી : આ કલા આજે લુપ્તપ્રાય થવા જઈ રહી છે. પરંતુ ઉત્તર પ્રદેશના કેટલાક સ્થાનિક અને પરંપરાગત લઘુ ઉદ્યોગકારો સુતરફેણીના પારંપરિક વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમણે તેમના આ વ્યવસાયને આજે પણ જાળવી રાખ્યો છે. જેના થકી તેઓ જીવન નિર્વાહ પણ કરી રહ્યા છે.