જૂનાગઢઃ કોરોના વાયરસે આણેલાં લૉક ડાઉને ગુજરાતવાસીઓની રહેણીકરણીમાં રોજિંદી ટેવોને કેવી દુર્લભ બનાવી દીધી છે તેનો વિચાર કરીએ ત્યારે વાતોના વડાં કરવાનો આનંદ માણીએ તો વાંધો ન લેવાવો જોઇએ. હવે જૂઓને સૌરાષ્ટ્ર કહો કે કાઠિયાવાડમાં સવારના નાસ્તાંમાં શું જોઇએ એમ પૂછવામાં આવે તો એકસરખો જવાબ મળે કે ફાફડાને ગાંઠિયા. રોજિંદા દિવસોમાં સવારની ચા સાથે ફાફડાં ગાંઠીયાના નાસ્તા વગરની સવારની કલ્પના જૂનાગઢવાસીઓએ ક્યારેય કરીી ન હતી. જેને લૉક ડાઉને વાસ્તવિકતા બનાવી દીધી હતી.
જો કે, હવે 45 દિવસથી ફાફડા ગાંઠિયાના વિરહમાં ઝૂરતાં જૂનાગઢવાસીઓને કોઠે ટાઢક થાય એવી ખબર છે. હવે શરતોના પાલન સાથે નાસ્તાની દુકાનો ખુલી રહી છે ત્યારે જૂનાગઢવાસીઓને 45 દિવસના લાંબા અંતરાલ પછી આજે વણેલાં ગાંઠીયાનો ટેસ્ટ માણવા મળ્યો છે. ફરસાણ અને નાસ્તાની સંદતર બંધ રહેલી દુકાનો ખુલી છે ત્યારે હવે સવારની ચા સાથે નાસ્તામાં વણેલાં ગાંઠિયા સાથે દિવસની એકદમ જૂસ્સા સાથે શરૂઆત કરવાનો લ્હાવો જૂનાગઢવાસીઓએ માણ્યો હતો.
આમ તો ગાંઠિયાના અનેક પ્રકાર છે. દરેક જિલ્લામાં અલગ અલગ પ્રકારે ગાંઠિયા બનતાં હોય છે. વણેલાં ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, પાપડી ગાંઠિયા, ફાફડી ગાંઠીયા, તીખા ગાંઠીયા અનેક પ્રકારના ગાંઠિયાઓ બને છે. પરંતુ કાઠિયાવાડની ઓળખ એવા ફાફડા અને વણેલાં ગાંઠિયાની વાત કંઇક અલગ છે. હવે ગાંઠિયા મળતાં તો થયાં છે પરંતુ તેમાં હજુ થોડા પ્રતિબંધ છે. રેસ્ટોરન્ટમાં બેસીને કઢી ચટણી મરચાં અને બેથી ત્રણ જાતના સંભારા અને ચાની ચૂસ્કી સાથે ગાંઠિયા ખાવાની એક અલગ મજા હોય છે.
એ મજા લેવાની જો કે હજુ વાર છે. જો તમારે ગાંઠીયાનો ટેસ્ટ કરવો હોય તો દુકાનેથી ખરીદીને ઘરમાં બેસીને ચા સાથે ટેસ્ટફૂલ વણેલાં ગાંઠીયાનો સવાદ માણી શકો છો અને હાલ જૂનાગઢવાસીઓ એમાં પણ મહાસુખ માણી રહ્યાં છે.