જૂનાગઢ : વન વિભાગની કચેરી સામે છેલ્લા 4 દિવસથી આંદોલનના મંડાણ થઈ રહ્યા છે. પરંતુ વન વિભાગ દ્વારા કોઈ હકારાત્મક અને નક્કર કાર્યવાહી નહિ થતા વન વિભાગને સદબુદ્ધિ મળે તે માટે રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 4 દિવસથી ભવનાથ વિસ્તારમાં એક ખાનગી શૈક્ષણિક સંસ્થાએ જંગલની જમીન વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હતું. જેને દૂર કરવા માટે આ લોકો અનેક વખત માંગ કરી ચૂક્યા છે. તેમ છતાં દબાણ દુર નહિ થતા અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.
જયાર થી ગિરનાર વિસ્તારને સેન્ચ્યુરી જાહેર કરવામાં આવ્યું છે. ત્યારથી દબાણને લઈને અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ત્યારે પરિક્રમા રૂટની બિલકુલ નજીક આવેલી એક ખાનગી શૈક્ષણિક સંસ્થાએ જંગલ વિસ્તારની કેટલીક જમીન પર ગેરકાયદેસર કબજો કરી અને તેના પર બાંધકામ કર્યું છે. જેને લઇને જૂનાગઢની કોર્ટમા પણ કેસ ચાલી રહ્યો છે. કોર્ટે પણ વન વિભાગને સમગ્ર મામલાને લઈને ઘટતું કરવાની ટિપ્પણી કરી હતી. તેમ છતાં હજુ સુધી વન વિભાગ દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી નહિ કરવામાં આવતા આંદોલન ચોથા દિવસમાં પ્રવેશ્યું હતું. તેમજ વન વિભાગને દબાણ દૂર કરવાની ભગવાન શક્તિ અને સદબુદ્ધિ આપે તે માટે ખાસ રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું.