જૂનાગઢ: રાજ્યના નાગરિકોના કરવેરાના પૈસાનો દૂરઉપયોગ શીખવો હોય તો કોઈ પણ વ્યક્તિ રાજ્યની સરકાર પાસે જઈ શકે છે. જી હા રાજ્ય સરકારની આબરૂની ધજાગરા કરતા હોય તેવા દ્રશ્યો જૂનાગઢની બજારમાંથી સામે આવ્યા હતા. 10 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરી સુધી રાજ્ય સરકાર અને વન વિભાગે કરુણા અભિયાન શરૂ કર્યું હતું. તેની મસ મોટી જાહેરાતના બેનરો અભિયાન પૂરું થયાના એક દિવસ બાદ એટલે કે 21 તારીખે જુનાગઢમાં લાગ્યા હતા. જેમા રાજ્યના નાગરિકોએ આપેલા કરવેરાના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે.
કરુણા અભિયાન પૂર્ણ થયા બાદ લાગ્યા સાવચેતીના બેનર: પાછલા કેટલાક વર્ષોથી રાજ્યની સરકાર દ્વારા મકરસંક્રાંતિના તહેવારોમાં પક્ષીઓને પતંગના દોરાથી કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે સાવચેતી અને પતંગ રસીકોમાં જાગૃતતા આવે તે માટે કરુણા અભિયાન શરૂ કરાયું છે. જે મોટે ભાગે 10મી જાન્યુઆરીથી શરૂ થઈ અને 20મી જાન્યુઆરીએ પૂર્ણ થતું હોય છે. આ અભિયાન પક્ષીઓને બચાવવા માટે આશીર્વાદ સમાન બની શક્યું હોત પરંતુ દીવાતળે અંધારા સમાન આ અભિયાનની જાહેરાતના બેનરો અભિયાન પૂરું થયાના એક દિવસ બાદ એટલે કે 21 તારીખે જુનાગઢની બજારમાં લાગ્યા હતા.
આ પણ વાંચો MS University Controversy 12 નાપાસ વિદ્યાર્થિનીને મળ્યું એડમિશન, 6 મહિના પછી ફૂટ્યો ભાંડો
જનતાના કરવેરાના નાણાંનો વેડફાટ: રાજ્યના લોકો કરવેરા થકી રાજ્ય સરકારની તિજોરી છલકાવતા હોય છે. જેમાંથી રાજ્યની સરકાર વિકાસલક્ષી અને ઉપયોગી યોજનાઓ પાછળ તેનો ખર્ચ કરતી હોય છે પરંતુ આજે જે દ્રશ્યો જૂનાગઢમાં જોવા મળ્યા તેમાં રાજ્યના લોકો દ્વારા આપવામાં આવેલા કરવેરાના પૈસાનું ખુલ્લેઆમ નિકંદન નીકળતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કરુણા અભિયાન 20 તારીખે પૂર્ણ થયું છે ત્યારે 21મી તારીખે જુનાગઢ શહેરના 10 વિસ્તારોમાં આ પ્રકારના બેનેરો લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. આ રાજ્યની સરકાર અને બેનરો લગાવવા માટે જે એજન્સીને સરકારે નિર્ધારિત કરેલી છે તે બંનેની બેદરકારી સ્પષ્ટ છતી કરે છે જેમાં રાજ્યની જનતાએ આપેલા કરવેરાના કરોડો રૂપિયાનુ આધણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો Pavagadh Mahakali Temple : 183 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ સાથે પાવાગઢના વિકાસની ગતિ તેજ થશે
કરુણા અભિયાન પૂર્ણ થયા બાદ જાહેરાતનો શું અર્થ?: દર વર્ષે રાજ્યની સરકાર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 10મી જાન્યુઆરીથી શરૂ કરીને 20મી જાન્યુઆરી એમ 10 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન શરૂ રાખવામાં આવે છે. 21 મી જાન્યુઆરી છે કરુણા અભિયાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું અભ્યાન પૂર્ણ થયા બાદ તેના શરૂ થવાની જાહેરાત જૂનાગઢમાં લાગી હતી. આ સ્પષ્ટ બતાવી આપે છે કે રાજ્યની સરકાર અને એજન્સીઓ કરવેરાના પૈસાનો દુરુપયોગ કરી રહી છે. સરકાર એજન્સીને પૈસા ચૂકવી આપે તે માટે એજન્સીઓએ આ પ્રકારના બેનરો અભિયાન પૂર્ણ થયા બાદ મારવાની શરૂઆત કરી છે જે રાજ્યની સરકાર અને બેનરો મારવા માટે નિર્ધારિત કરેલી એજન્સીઓ રાજ્યની તિજોરી ખંખેરવાના ઇરાદે આ કામગીરી કરી રહી હોય તેવું દ્રશ્યો પણ ચાડી ખાઈ રહ્યા છે.