જૂનાગઢઃ કોરોના વાઇરસના સંક્રમણને કારણે છેલ્લા 80 દિવસ કરતા વધુ દિવસોથી ભવનાથ તળેટીમાં આવેલું ભગવાન ભવનાથ મહાદેવનું મંદિર બંધ હતુ, ત્યારે આગામી 22 તારીખ અને સોમવારે ફરીથી ખોલવામાં આવશે. ભવનાથ મંદિરમાં સરકાર દ્વારા કોરોના સંક્રમિત વ્યક્તિઓને રાખવા માટે કોરન્ટાઇન સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. તેમજ સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ભગવાન ભવનાથ મહાદેવનું મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ત્યારે આગામી સોમવારે ફરીથી એક વખત ભગવાન ભવનાથ મહાદેવના દ્વાર ભક્તો માટે મંદિર ખુલી રહ્યું છે, ત્યારે દર્શન કરવા આવતા દરેક ભક્તોને સાવચેતી રાખવી ફરજિયાત બનાવવામાં આવી છે, તેમજ મંદિર પરિસર સવારે 08:30 કલાકથી સવારના સાડા અગિયાર સુધી તેમજ બપોરના સાડા ત્રણથી સાંજના 6:30 સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાંજના સાડા છ વાગ્યે ભગવાન ભવનાથ મહાદેવના કપાટ ફરીથી બંધ થઈ જશે, જે વહેલી સવારે 8:30 કલાકે ફરીથી ખોલવામાં આવશે. આજ નિત્યક્રમ જ્યાં સુધી કોરોના સંક્રમણનો ખતરો ઓછો ન થાય ત્યાં સુધી જાળવી રાખવામાં આવશે.