જુનાગઢ: માણાવદર ગામે છેલ્લાં 6 મહિનાથી પણ વધુ સમયથી અનસુયા અન્નક્ષેત્ર જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ બન્યું છે. શહેરમાં રહેતા નિરાધાર, ગરીબ, અશક્ત, વિકલાંગ બીમાર, વિધુર કે વિધવા મહિલા, સંતાન ન હોય તેવા વયોવૃદ્ધ દંપતિઓ અને તમામ જરૂરિયાતમંદ લોકોના ભોજનની જવાબદારી અનસુયા અન્ન ક્ષેત્રએ ઉઠાવી છે. એટલું જ નહીં માણાવદરના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવાઓ માટે આવતા પ્રત્યેક દર્દી અને તેમના પરિવારજનો માટે વિનામૂલ્યે અન્ન સેવા કરી રહ્યા છે. આજથી છ મહિના પહેલાં 46 ટિફિન થી શરૂ થયેલી અન્ન સેવા આજે 125 ટિફિન સુધી પહોંચી છે, અને આવનારા દિવસોમાં સમગ્ર માણાવદર શહેરમાં રહેતા તમામ ગરીબ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાનો સંસ્થાનો ધ્યેય છે. આ ધ્યેય સાથે અનસુયા અન્નક્ષેત્રની સેવાઓ સતત ચાલી રહી છે, શુદ્ધ સાત્વિક અને તમામ પ્રકારના વય જૂથના વ્યક્તિઓને આરોગ્યની દ્રષ્ટિએ પૌષ્ટિકતાને ધ્યાને રાખીને ભોજન તૈયાર કરવામાં આવે છે. અન્નક્ષેત્રના કર્મચારીઓ દ્વારા પ્રત્યેક વ્યક્તિના ઘર સુધી તૈયાર ભોજન પહોંચતું કરીને જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોનું આદર્શ દ્રષ્ટાંત પણ બની રહ્યું છે
દરોજ્જ બને છે 125 ટિફિન: અનસુયા અન્નક્ષેત્ર દ્વારા દિવાળી અને દશેરા જેવા પ્રત્યેક તહેવારો પર ખાસ મિષ્ટાન બનાવવામાં આવે છે. વહેલી સવારથી જ અન્ન ક્ષેત્રના 15 જેટલા કર્મચારીઓ દિવસ દરમિયાન 125 ટિફિન બનાવવાથી લઈને સતત કામમાં સક્રીય જોવા મળે છે, ભોજન તૈયાર કરતી વખતે પણ પૌષ્ટિકતાનું ખાસ અને વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ખાસ તો બીમાર અને વયોવૃદ્ધ લોકોને અનુકૂળ પડે તે પ્રકારનું ભોજન સુધી તેમના સુધી ઝડપી પહોંચે તેની ખાસ દરકાર રાખવામાં આવે છે.
અનસૂયા અન્નક્ષેત્રનો ઉદ્દેશ્ય: મૂળ જુનાગઢ જિલ્લાના માણાવદરના વતની અને હાલ મુંબઈમાં રહેતા અનસુયા અન્ન ક્ષેત્રના ચેરમેન મેઘનાબેન શેઠે આ અન્ન ક્ષેત્રનું સંચાલન કરી રહ્યાં છે. તેમને જણાવ્યું હતું કે, અમારા વતનનું ઋણ ચૂકવવા માટે તેમજ ખાસ કરીને એવા લોકો કે જે જરૂરિયાત મંદ છે, તેમ છતાં હાથ લાંબો કરી શકતા નથી તેવા તમામ લોકોની ઓળખ કરીને અમે પ્રત્યેક વ્યક્તિ સુધી ભોજનના માધ્યમથી પહોંચી રહ્યા છે. આ પ્રકારે સેવા કરવાની તક અમને અમારા વતનમાં મળી છે. જેને અમે વતનનું ઋણ ઉતારવા સમાન માનીએ છીએ. અન્ન સેવા થકી ભોજન પ્રાપ્ત કરી રહેલા દેવી બેન પણ આ ભોજન સેવા પુરી પાડનાર અનસૂયા અન્ન ક્ષેત્રની સેવાને ખૂબ આવકારે છે, અને જણાવે છે કે, એવા લોકો માટે આ સેવા એકદમ આદર્શ છે કે, જેો જીવનના અંતિમ સમયમાં એકલા પસાર કરી રહ્યા છે.