જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં ગ્લોબલ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગાય આધારિત નાના અને લઘુ ઉદ્યોગો થકી મહિલાઓ પણ સ્વરોજગારી પ્રાપ્ત કરી રહી છે, ત્યારે જૂનાગઢ નજીકના કોયલી ગામના પ્રગતિશીલ એક મહિલાએ પંચગવ્ય માંથી ચપ્પલનું નિર્માણ કર્યું છે. વર્તમાન સમયમાં પંચગવ્ય દ્વારા પ્રાકૃતિક ખેતી અને તેના ઉત્પાદનોને લઈને ખૂબ પ્રચાર અને પ્રસાર જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પંચગવ્ય આધારિત ચપ્પલ કોઈ પણ વ્યક્તિના આરોગ્ય માટે ખૂબ જ લાભપ્રદ હોવાનું પણ કેટલાક તારણોમાં સામે આવ્યું છે. પંચગવ્ય માંથી નિર્મિત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાથી ઘાતક રેડીએશનની અસરોને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે, સાથે સાથે તે મધુ પ્રમેહ અને લોહીના દબાણ જેવી બીમારીઓમાં પણ કોઈ પણ વ્યક્તિને રાહત અપાવી શકે છે. આવી બધી ખાસીયતોના કારણે પંચગવ્ય માંથી બનેલા ચપ્પલ આજે ગ્લોબલ સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
![પંચગવ્યો માંથી બનાવ્યા ચપ્પલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-10-2023/gj-jnd-02-panchgavya-vis-01-byte-02-pkg-7200745_14102023154351_1410f_1697278431_360.jpg)
ઈકો ફ્રેન્ડલી ચપ્પલ: જૂનાગઢ નજીકના કોયલી ગામના ભાવનાબેન પટેલ નામના મહિલાએ પંચગવ્ય અને અન્ય જડીબુટ્ટીનો ઉપયોગ કરીને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારી અને અનુકૂળ ચપ્પલનું નિર્માણ કર્યું છે. ભાવનાબેને કંતાન કેનવાસ અને ગાયનું છાણ અને મૂત્રની સાથે અન્ય જડીબુટ્ટીઓનો સુમેળ કરીને આરોગ્ય માટે લાભપ્રદ ચપ્પલ બનાવ્યા છે, જે આજે ગ્લોબલ સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. અને લોકોએ પણ તેમના આ સાહસ અને પ્રતિભાની પ્રશંસા કરી હતી.
![પંચગવ્યો માંથી બનાવ્યા ચપ્પલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-10-2023/gj-jnd-02-panchgavya-vis-01-byte-02-pkg-7200745_14102023154351_1410f_1697278431_206.jpg)
ચપ્પલની ખાસીયત: કોઈલી ગામના મહિલા ખેડૂત ભાવનાબેન પટેલે પંચવ્ય આધારિત ચપ્પલ બનાવ્યા છે, જેમાં શણની સાથે કેનવાસ અને ગાયનું છાણ અને મૂત્રનો ઉપયોગ કર્યો છે. વધુમાં તેમણે લીમડાના પાનનો ભૂકો કાળીજીરી અને ઈગોરીયાના પાવડરની સાથે અન્ય કેટલીક આરોગ્ય માટે ખૂબ જ લાભકારક અને આયુર્વેદમાં જેને ઉપયોગી માનવામાં આવે છે તેવી જડીબુટ્ટીઓ અને અન્ય દ્રવ્યોનો ઉપયોગ કરીને આ ચપ્પલ બનાવ્યાં છે. જે કોઈ પણ વ્યક્તિના અને ખાસ કરીને મહિલાના આરોગ્ય માટે ખૂબ જ સારું હોવાનું પણ મહિલા ખરીદારોએ જણાવ્યું હતું.
![પંચગવ્યો માંથી બનાવ્યા ચપ્પલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-10-2023/gj-jnd-02-panchgavya-vis-01-byte-02-pkg-7200745_14102023154351_1410f_1697278431_103.jpg)
સ્વાસ્થ્ય માટે ફાયદાકારી: ભાવનાબેન પટેલે છેલ્લાં ઘણા વર્ષોથી ગાય અને પંચગવ્ય માંથી દૈનિક વપરાશમાં આવતી ચીજ વસ્તુઓનાં નિર્માણ સાથે જોડાયેલા છે. આ પ્રસંદે ઈટીવી ભારત સાથે વાતચીત કરતા ભાવનાબેને જણાવ્યું હતું કે, તેઓ ઘણા સમયથી ગાય આધારિત ઘર વપરાશની કેટલીક ચીજોનું નિર્માણ કરી રહ્યા છે. જેમાં તેમને ખૂબ સફળતા મળ્યા બાદ હવે રેડીએશન અને મધુપ્રમેહની સાથે લોહીના દબાણ પર અસરકારક પરિણામ આપતા પંચવ્ય આધારિત ચપ્પલનું નિર્માણ કર્યું છે. જે લોકોના અને ખાસ કરીને મહિલાઓના આરોગ્ય માટે ખુબ ફાયદાકારી માનવામાં આવે છે.