- જૂનાગઢ વંથલીના ધણફુલિયા ગામે સિંહે કર્યો માનવ હુમલો
- સિંહ પરિવારના છ મહિનાથી ધામા
- પશુઓ બાદ માનવ શિકારથી ગ્રામજનોમાં ભયનો માહોલ
જૂનાગઢઃ જિલ્લા સહિત વંથલી પંથકમાં સિંહ પરિવારના છેલ્લા છ મહિનાથી ધામા છે, ત્યારે પશુ બાદ સિંહ દ્વારા માનવ પર હુમલો કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ધણફુલિયા ગામે સિંહનો માનવ પર હુમલો
ગોધરાથી મજૂરી અર્થે આવેલા પરિવારની બે બહેનો વાડીમાં જતા હતા તે સમયે અચાનક સિંહ ત્યાં આવી ચડતાં મોટી બહેન પાણીના ટાંકામાં પડી ગઇ હતી, જયારે નાની બહેન ઉપર સિંહે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી. આ પરિવાર ધણફુલિયાના ખેડૂત જેરામભાઇ નાનજીભાઇ ચાવડાના ખેતરે વસવાટ કરતો હતો.
આ વિસ્તારમાં સિંહ પરિવારના 6 મહિનાથી ધામા
જૂનાગઢના વંથલી પંથકમાં છેલ્લા છ મહિનાથી સિંહ પરિવારની અવર-જવર જોવા મળી રહી છે, ત્યારે આ ખેતરમાં ઘણા સમયથી સિંહ આવતા હોવાની માહિતી હતી, પરંતુ વન વિભાગ દ્વારા કોઇ પ્રકારનું ધ્યાન દેવામાં નહીં આવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
અનેક પશુઓ બાદ માનવ શિકારથી ગ્રામજનોમાં ફેલાયો ફફળાટ
ખાસ તો સિંહ દ્વારા માનવ શિકાર કરાતો નથી, પરંતુ આ ઘટનાથી તે પણ સ્પષ્ટ સાબિત થઇ રહયું છે કે, સિંહ માનવ શિકાર કરવામાં પણ બાહોશ છે. જેથી આ ગામે લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે આ માનવભક્ષી સિંહને પકડવાની તજવીજ ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરાઇ છે.