જૂનાગઢ: ગિરનાર તળેટીમાં લીલી પરિક્રમા દરમિયાન દીપડા દ્વારા હુમલાની ઘટના સામે આવી છે. જેેને પગલે પરિક્રમાના રુટ પર આવતા વિસ્તારમાં દીપડાની દહેશત ફેલાઈ ગઈ છે. પરિવાર સાથે પરિક્રમા કરવા આવેલી 11 વર્ષની માસુમ બાળકીનો શિકાર દીપડાએ કરી લેતા સમગ્ર પરિક્રમામાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘણા વર્ષો પછી આ પ્રકારે હિસક પ્રાણીઓની રંજાળ પરિક્રમા દરમિયાન સામે આવી છે. જેને લઈને પરિક્રમા માટે આવતા ભાવિકોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે.
દીપડાએ હુમલો કરતાં બાળકીનું મોત: ગત રાત્રિના સમયે પરિક્રમા માટે આવેલો રાજુલાનો સાંખટ પરિવાર આરામ કરી રહ્યો હતો. તેવા સમય ઘાત લગાવીને દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કરી જંગલમાં અંદર ખેંચી ગયો હતો. જેમાં બાળકીનું મોત થયું છે. જેનો મૃતદેહ સવારે વન વિભાગને પ્રાપ્ત થયો હતો. આ ઘટના પરિક્રમા દરમિયાન બોરદેવી નજીક બની હતી. બાળકીના મોતને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
વન વિભાગે હાથ ધરી કાર્યવાહી: જૂનાગઢ વિભાગે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને હાલ ખોડીયાર રાઉન્ડ વિસ્તારમાં કે જ્યાંથી દીપડાએ બાળકીને ઉઠાવી જઈને તેનો શિકાર કર્યો હતો. તે વિસ્તારમાં પાંજરા ગોઠવી દઈને દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે.
ગિરનાર રેંજના RFO ભાલીયાએ જણાવ્યું છે કે શિકાર જેવી ઘટના સામે આવતા વન વિભાગ પણ ખૂબ ચિંતિત છે અને દીપડાની હાજરીના વિસ્તારમાં પાંજરા ગોઠવીને તેને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી છે.
પરિવારને મદદ કરવા માંગ: પાછલા ઘણા વર્ષો પછી આ પ્રકારે પરિક્રમાના રૂટમાં હિંસક પ્રાણીઓના હુમલાની ઘટના સામે આવી છે. જેને લઈને રાજુલાના સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ ઘટના સામે દુઃખ વ્યક્ત કર્યું છે અને વન અને પર્યાવરણ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર મામલામાં તત્કાલ તાત્કાલિક અસરગ્રસ્ત પરિવારોને સરકાર મદદ કરે તેવી માંગ કરી છે.