મનપાની ચૂંટણીના પરિણામમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. જૂનાગઢ મનપાની 54 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તેમજ 4 બેઠક પર NCPની જીત તો 1 બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. 1લી ઓગસ્ટે જૂનાગઢને ધીરુભાઈ ગોહીલના રૂપમાં નવા મેયર મળશે. ચૂંટણી સમયે કરાયેલી જાહેરાત બાદ આગામી 1લી ઓગસ્ટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની જાહેરાત કરવામાં આવશે.
મનપાની ચૂંટણીના સમયમાં ધીરુભાઈ ગોહિલ તેમના પરિવાર સાથે અમેરિકામાં હતા, ત્યારે પ્રથમ એક ટર્મ બક્ષીપંચ માટે મેયરનું પદ અનામત જાહેર કરાયું છે. ભાજપે ચૂંટણી જંગમાં જીત મેળવવા માટે સ્વચ્છ પ્રતિભા અને છબી ધરાવનારા ધીરુભાઈ ગોહિલને અમેરિકાથી પરત બોલાવીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા હતા. ભાજપ પ્રચંડ બહુમતીથી વિજેતા બન્યું છે. ધીરુભાઈ ગોહિલના નામની જાહેરાત માત્ર ઔપચારિકતા હશે.
ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ભાજપે મહેનત કરવી પડે તેમ લાગી રહ્યું છે. ડે. મેયરની વાત કરવામાં આવે તો આ વખતે કોઈ મહિલા કોર્પોરેટરને આ પદ મળી શકે તેમ છે. જેના પ્રબળ દાવેદાર તરીકે વોર્ડ નંબર 11ના કોર્પોરેટર ભાવનાબેન હિરપરા પ્રબળ દાવેદાર માનવામાં આવી રહયા છે. ભાવનાબેન પૂર્વ મેયર સ્વ. જીતુ હિરપરા ધર્મ પત્ની છે. જીતુ હિરપરા વિજય રૂપાણીના નજીકના સાથી કાર્યકર હોવાને કારણે તેમને તક મળી શકે તેમ છે. જેને કારણે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને આ વખતે કોર્પોરેટરોની સાથે બેસવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
મનપાની મહત્વની સ્ટેન્ડિગ કમિટી પર નિમણુંક ભાજપ માટે કસરત કરાવે તેવું હાલમાં લાગી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન માટે મહેન્દ્ર મશરૂ, શશીકાંત ભીમાણી, સંજય કોરડીયા અને પુનિત શર્માના નામને લઈને ભાજપ કોઈ નિર્ણય કરી શકે તેમ છે. જો ભવનાબેન હિરપરાને ડે મેયર બનાવવામાં આવે તો મહેન્દ્ર મશરૂ અને શશીકાંત ભીમાણીનું પત્તુ કપાઈ શકે તેમ છે. આવી પરિસ્થિતિમાં સંજય કોરડીયા કે પુનિત શર્માને સ્ટેન્ડિગ કમિટીની કમાન મળી શકે તેમ છે. જો કે, ડે મેયર પદ માટે ભાવના બેન હિરપરાની જગ્યાએ અન્ય કોઈ મહિલાને બેસાડવામાં આવે તો મહેન્દ્ર મશરૂ કે શશીકાંત ભીમાણીને કમિટીની કમાન મળી શકે તેમ છે.
મહેન્દ્ર મશરૂ ,શશીકાંત ભીમાણી ,ભવનાબેન હિરપરા, ધીરુભાઈ ગોહિલ, ગિરીશ કોટેચા અનુક્રમે 9, 10 અને 11 વોર્ડમાંથી કોર્પોરેટર બન્યા છે. જ્યારે સંજય કોરડીયા વોર્ડ નંબર 7 અને પુનિત શર્મા વોર્ડ નંબર 12 માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. જૂનાગઢના તમામ વોર્ડને પૂરતું પ્રતિનિધિત્વ મળી શકે તેને ધ્યાને રાખીને મનપાના મહત્વના પદો પર જ્ઞાતિ અને જાતિના સમીકરણો મુજબ નિમણુંક કરવામાં આવશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ત્યારે ડે મેયર પદે પાટીદાર યુવા ચહેરા તરીકે ડો સીમાબેન પીપલીયાને લોટરી લાગી શકે તેમ છે. આવી પરિસ્થિતમાં મહત્વની સ્ટેન્ડિગ કમિટીની કમાન મહેન્દ્ર મશરૂની મળે તેવું પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે.