જૂનાગઢઃ ગિરનારમાં 13મી રાષ્ટ્રીય આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આજે ભવનાથમાં આયોજન કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારે આ સ્પર્ધાને ફ્લેગ ઓફ આપીને શરૂઆત કરાઈ હતી સ્પર્ધા સતત 13માં વર્ષે આયોજિત થઇ રહી છે. જેમાં આ વખતે સ્પર્ધાને સંપૂર્ણ ડિજીટલાઈઝેશનના માધ્યમથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં આજે સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે. દરેક સ્પર્ધકની સાથે ખાસ તૈયારી કરવામાં આવેલી એક માઇક્રોચીપ જોડવામાં આવી છે. દરેક સ્પર્ધક કેટલા સમયમાં સ્પર્ધા પૂર્ણ કરે છે તેનો સચોટ સમય દરેક સ્પર્ધકના વ્યક્તિગત મોબાઈલમાં મેસેજના મારફતે જશે માટે આ સ્પર્ધા વિશ્વસનીયતાની ગુણવત્તામાં પણ ખૂબ જ ખરી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે.
આ સ્પર્ધામાં ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી મહિલા અને પુરુષ મળીને કુલ 503 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકો પણ પ્રથમ વખત જૂનાગઢમાં ડિજિટલ માધ્યમોના ઉપયોગથી યોજવામાં આવેલી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. જેને લઇને સ્પર્ધકોમાં પણ ખુબ જ ઉત્સાહ જોવા મળતો હતો. આ માધ્યમથી સ્પર્ધકોને પણ પોતાની ખામી અને સમય સુધારવા માટેની સચોટ માહિતી મળી રહેશે. જેના ઉપયોગથી આગામી વર્ષે આ સ્પર્ધામાં ફરી વખત ભાગ લેતી વખતે દરેક સ્પર્ધકોને ઉપયોગી બનશે.