ટાઈટેનિક જહાજ આજે પણ લોકો માટે મુખ્ય રહસ્યનો વિષય રહ્યું છે. 111 વર્ષ પહેલાં બનેલી આ ઘટનામાં 1500 લોકો કાળનો કોળિયો બની ગયા હતા. આજે તેના માત્ર કાટમાળને જોવા માટે પણ લોકો જીવના જોખમે દરિયામાં ડૂબકી લગાવે છે. જેમાં થોડા સમય પહેલા જ 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવી જ એક ઘટના બની હતી ગુજરાતમાં અને એ પણ ટાઈટેનિક દુર્ઘટનાના લગભગ 25 વર્ષ પહેલા..
8મી નવેમ્બર 1888, વહાણવટાના ઇતિહાસનો સૌથી કાળો દિવસ... અને વીજળી દરિયામાં સમાઈ ગઈ
8 નવેમ્બર 1888ના રોજ વૈતરણા જહાજ માંડવી બંદર પરથી પ્રવાસીઓને લઈને નીકળ્યું. જહાજ દ્વારકા પહોંચતા ત્યાંથી પણ મુસાફરો જહાજમાં ચડ્યા. જ્યાં માંગરોળ પહોંચતા જ દરિયામાં આવેલા ભયાનક વાવાઝોડા સામે જહાજ ટકી શક્યું નહિ અને દરિયામાં સમાઈ ગયું. જહાજ પર લોકવાયકા પ્રમાણે 746 લોકો હાજર હતા. મુંબઈથી માંડવી વચ્ચે જઈ રહેલા વૈતરણા દરિયાઈ જહાજના કેપ્ટન તરીકે હાજી કાસમ હતા. પોરબંદર નજીક અરબી સમુદ્રમાં ભારે તોફાનને કારણે જેતે સમયના વહીવટદાર લોલી દ્વારા વૈતરણા જહાજના કેપ્ટન હજી કાસમને આગળ નહીં જવાની સૂચના આપી હતી પરંતુ કેપ્ટન હાજી કાસમે વહીવટદારની તમામ સૂચનાઓને અવગણીને વૈતરણા દરિયાઈ જહાજને પોરબંદરથી માંગરોળ તરફ હંકારી મૂક્યું હતું. જે માંગરોળ નજીક 20 નોટિકલ માઈલ નજીક દરિયાઈ તોફાન અને ચક્રાવાતને કારણે સમુદ્રમાં સમાઈ ગયું હતું. પરંતુ આ જહાજનો કોઈ કાટમાળ અથવા કોઇ પણ મૃતદેહો આજ સુધી મળ્યા નથી. 746 જેટલા પ્રવાસીઓના પરિવારજનોને અંગ્રેજ સરકારની સહાયના બદલે માત્ર વિલાપ મળ્યો હતો.
આ દુર્ઘટનાને 'ગુજરાતની ટાઇટેનિક' તરીકે ઓળખવામાં આવે છે, જોકે તે ટાઇટેનિક કરતાં 24 વર્ષ પહેલાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ટાઇટેનિકની જેમ તેનો કોઈપણ મુસાફર આપવીતી કહેવા માટે હયાત રહ્યો ન હતો કે ન તો તેમના મૃતદેહ મળ્યા કે અંતિમવિધિ થઈ શકે. દુર્ઘટનાનો ભોગ બન્યા બાદ વીજળી નામથી ખૂબ પ્રસિદ્ધ થયેલા જહાજનો ઈતિહાસ ત્યારબાદ લખાયેલા પુસ્તકો અને નવલકથાઓમાં જોવા મળે છે.
'વીજળી' નામ કઈ રીતે પડ્યું ?
વર્ષ 1888માં વૈતરણા દરિયાઈ જહાજ બનાવવામાં આવ્યું હતું. તેના પર લાગેલા અસંખ્ય વીજળીના દીવાઓની રોશનીથી કારણે તે ખૂબ જ ઝગઝગાટ મારતું હતું. જેથી તેને લોકો વૈતરણાના નામથી નહીં પરંતુ વીજળીના નામથી ઓળખવા લાગ્યા. દુર્ઘટના સમયે વૈતરણા દરીયાઈ જહાજના કેપ્ટન હાજી કાસમ હતા. જેથી દુર્ઘટના બાદ આ જહાજને હાજી કાસમ તારી વીજળીના નામથી પણ ખૂબ પ્રસિદ્ધિ મળી છે.
જાનૈયાઓ અને વિદ્યાર્થીઓની જળસમાધી.... તો અનેક લોકો બચ્યાં
વૈતરણા દરિયાઈ જહાજે માંગરોળ નજીકના દરિયામાં જળ સમાધિ લીધી તે સમયે તેમાં 746 જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હોવાનું ઉલ્લેખ પુસ્તકોમાં જોવા મળે છે. જેમાં કેટલાક જાનૈયાઓની સાથે 11 જેટલા વરરાજાઓ પણ દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. આ સાથે માંડવીથી એસએસસીની પરીક્ષા આપવા માટે મુંબઈ જઈ રહેલા કેટલાક વિદ્યાર્થીઓ પણ આ જળ સમાધિમાં મોતને ભેટ્યા હતા. અકસ્માત બાદ જેની સાહિત્યમાં નોંધ લેવાઈ છે તે મુજબ કેટલાક પ્રવાસીઓ દ્વારકા બંદર પર ઉતરી ગયા હતા, જે આ કાળમુખી દુર્ઘટનામાંથી બચી ગયા હોવાનો ઉલ્લેખ પણ સાહિત્ય અને નવલકથાઓમાં જોવા મળે છે.
જહાજની દુર્ઘટના પછી મુંબઈ પ્રેસિડેન્સીની તપાસમાં એવું સામે આવ્યું કે વૈતરણા જહાજ સલામતીનો અભાવ હતો. તેમાં પૂરતી સંખ્યામાં લાઈફબોટ ન હતી. મુંબઈ પ્રેસિડેન્સી અને અન્ય જહાજી કંપનીઓએ જહાજનો કાટમાળ શોધવાનો પ્રયાસ કર્યો પણ તે અસફળ નીવડ્યો.
વીજળી જહાજને બનતાં ત્રણ વર્ષ લાગ્યા:
લંડન અને મુંબઈમાં કામ કરતી શેફર્ડ કંપની દ્વારા વૈતરણા દરિયાઈ જહાજ વર્ષ 1885માં બનાવવામાં આવ્યું હતું. વરાળ અને સ્ટીલથી ચાલતાં આ જહાજને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ત્રણ માળ, પચ્ચીસ રૂમ હતા. જેની લંબાઈ 170 ફૂટ, પહોળાઈ 26 ફૂટ અને ઊંડાઈ અંદાજિત 10 ફૂટ રાખવામાં આવી હતી. જે 73 હોર્સ પાવરના સ્ટીમ એન્જિનથી કામ કરતું હતું. વૈતરણા જહાજ દરિયામાં 13 નોટિકલ પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે તેવી ક્ષમતા ધરાવતું હતું. આ જહાજનું વજન અંદાજિત 65 ટન જેટલું રાખવામાં આવ્યું હતું. વૈતરણા જહાજમાં એક સાથે અનુકૂળ હવામાનમાં 1047 જેટલા પ્રવાસીઓ એક બંદર પરથી બીજા બંદર પર લઈ શકે તે પ્રકારનું બનાવવામાં આવ્યું હતું.
વીજળીનો લોકગીતમાં ઉપયોગ:
આ ઘટનાને કારણે ઘણી દરિયાઈ લોકવાયકાઓ, દંતકથાઓ અને ગીતો રચાયા અને જાણીતા બન્યા. લોકગીતોમાં આ જહાજને વીજળી તરીકે ઓળખાયું અને તેના કપ્તાન હાજી કાસમ સાથે જાણીતું બન્યું. ઝવેરચંદ મેઘાણીએ લોકગીતો ભેગા કરીને પુસ્તક "હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ" હેઠળ પ્રકાશિત કર્યું. ધોરાજીના સંશોધક વાય. એમ. ચિતલવાલાએ આ ઘટનાના અભ્યાસ પરથી વીજળી હાજી કાસમની નામનું દસ્તાવેજી પુસ્તક તૈયાર કર્યું, જે 2010માં પ્રકાશિત કરવામાં આવ્યું.