જૂનાગઢ: સોમનાથ પોલીસને બાતમી મળી હતી કે સાસણ નજીક આવેલા ગીર મેંગો વેઈલી અને વાઈટ લાયન નામના રિસોર્ટમાં કેટલાક નશાખોર યુવકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રિસોર્ટમાં પહોંચી અને 10 જેટલા નશાખોર યુવાનોને ઝડપી પાડ્યા છે. રાજકોટ અને મોરબીના આ નશાખોર યુવકોની હાલ પોલીસે અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ સિંહ વેકેશન ચાલી રહ્યું છે તેથી પ્રવાસીઓ ખુબ ઓછા આવી રહ્યા છે તો બીજી તરફ આ તકનો લાભ લઈને નશાખોરો મહેફિલ ઉડાવી રહ્યા છે.
નશાખોરો સાવધાન: ચોમાસાના ચાર મહિના સિંહ દર્શન અને ગીર સાસણ સફારી સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવે છે. આવા સમયનો લાભ ઉઠાવીને કેટલાક રિસોર્ટ સંચાલકો અને નશાખોર યુવાનો દારૂની મહેફિલ માણવા માટે સાસણ અને આસપાસના વિસ્તારોમાં આવતા હોય છે. અગાઉ પણ સિંહના વેકેશનના સમય દરમિયાન કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણતા પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યા છે. આજે વધુ 10 યુવાનો દારૂની મહેફીલ માણતા પોલીસના હાથે ઝડપાયા છે.
'ગીર મેંગો વેઈલી રિસોર્ટમાંથી 6 અને વાઈટ લાયન રિસોર્ટમાંથી 4 યુવાનો મળીને કુલ 10 યુવાનોને દારૂની મહેફિલ માણતા પકડી પાડવામાં આવ્યા છે. આ તમામની અટકાયત કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સિંહના વેકેશન દરમિયાન ગિરના રિસોર્ટમાં કેટલાક લોકો અને રિસોર્ટના સંચાલકો આ પ્રકારે ગેરરીતી કરી રહ્યા હોવાને વિગતો અમને મળી હતી ત્યારબાદ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.' -વી કે ઝાલા, પી.એસ.આઇ, સોમનાથ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ