જામજોધપુર તાલુકાના ચૂર ગામની નજીક એક ચુરી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વતા ધરાવે છે. આ મંદિરની આસપાસ ઘણા બધા ઘટાદાર વૃક્ષો અને વન્ય પશુ પક્ષીઓ વસવાટ કરે છે. સોંદર્યની દ્રષ્ટિએ આ જગ્યા ખૂબ જ સારી છે અને ચોમાસાની ઋતુમાં સહેલાણીઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી આવે છે. આ જગ્યાએ અંદાજિત 1000 જેટલા મોર અને મોટી સંખ્યામાં નીલગાય અને અને અન્ય ઘણા બધા વન્ય પશુ પક્ષીઓ વસવાટ કરે છે.
પરંતુ આ જગ્યાની સાવ જ નજીક પવનચક્કી નાખી દેવામાં આવી છે. જેના ઘોંઘાટને કારણે જીવસૃષ્ટિને મોટું નુકસાન થાય છે. પવનચક્કીના કામ દરમિયાન બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે ઘણા મોર અને પશુ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ગ્રામ પંચાયતનો અભિપ્રાય લીધા વિના જ આ પવનચક્કીની મંજૂરી આપવામાં આવી છે. આ પવનચકકીના કારણે જીવસૃષ્ટિને ખૂબ જ મોટું નુકસાન થાય છે એવા ગ્રામજનો દ્વારા આક્ષેપો સાથે રોષ ઠાલવવામાં આવ્યો હતો.આ જીવસૃષ્ટિ અને પર્યાવરણ બચાવવા માટે આ પવનચક્કીને આ જગ્યાએથી દૂર ખસેડવામાં આવે તેવી માંગણીઓ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.