જામનગરઃ શહેરમાં વિદ્યાર્થીઓ ગૂમ થવાની ચકચારી ઘટના સામે આવી છે. ખીજડા મંદિર ટ્રસ્ટમાં રહેતા અને અભ્યાસ કરતા સિક્કિમ અને નેપાળના 3 સગીર વિદ્યાર્થીઓ એકાએક લાપતા બનતા હડકંપ મચી ગયો છે. ત્રણેય વિદ્યાર્થીઓ ગુમ થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે આ વિદ્યાર્થીઓની ક્યાંય ભાળ ન મળતા અંતે સંચાલક દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવાઈ છે. જેને લઈને હવે પોલીસ દોડતી થઈ છે.
ખીજડા મંદિર હોસ્ટેલમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ ભેદી રીતે ગુમ થયા છે. અનેક શોધખોળ છતાં વિદ્યાર્થીઓની ભાળ મળી નહતી. તેથી શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે...પ્રદિપ સિંહ જાડેજા(મેનેજર, ખીજડા મંદિર ટ્રસ્ટ)
28 તારીખથી વિદ્યાર્થીઓ ગૂમ થયા છેઃ જામનગરમાં ખંભાળિયા નાકા પાસે આવેલા પ, નવતનપુરી ધામ, ખીજડા મંદિર ટ્રસ્ટના મંદિર પરીસરમાં રહીને અભ્યાસ કરતાં ૧૦થી ૧૨ વર્ષની વયના સિક્કિમના 2 અને ૧૨ વર્ષનો નેપાળનો 1 સગીર વિદ્યાર્થી લાપતા થયા છે. તેઓ ગત ૨૮મી તારીખના સવારે ૧૦.૦૦ કલાકથી ટ્રસ્ટમાંથી એકાએક ગૂમ થઈ ગયા હતા. ટ્રસ્ટના સભ્યો અને હોદ્દેદારો ઉપરાંત સાથી વિદ્યાર્થીઓ દ્વારા આ લાપતા વિદ્યાર્થીઓની શોધખોળ કરવામાં આવી હતી. સંભવિત દરેક ઠેકાણે તપાસ કર્યા બાદ કંઈક અનિષ્ટ બન્યું હોવાની શંકા ગાઢ બની હતી. તેથી સંચાલક મંડળના મેનેજરે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
સીસીટીવીના આધારે તપાસ શરૂઃ આ વિદ્યાર્થીઓની અનેક સ્થળે શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો લાગ્યો નહતો. આખરે સંચાલક મંડળના પ્રદિપસિંહ જાડેજાએ ત્રણેય બાળકોના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે. સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફના PSI એમ. એ. ચાવડા અપહરણ અંગેનો ગુનોને નોંધીને આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.