જામનગર : શહેરમાં ન્યુ સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનું જર્જરિત બિલ્ડીંગ એકા એક સાંજના સમયે ધરાશાયી થતા ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે બિલ્ડિંગના કાટમાળમાં ફસાયેલા આઠ લોકોને બહાર નીકળવામાં આવ્યા છે. જેમાંથી ત્રણના લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચનો બચાવ થયો છે.
જર્જરીત બિલ્ડીંગ થઇ ધરાશાયી : આ ઘટનાની જાણ થતા જ જામનગર મહાનગરપાલિકાની ફાઈટિંગ ટીમ તાત્કાલિક ઘટના પહોંચી ગઇ હતી. અને જેસીબી મશીનના માધ્યમથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ જર્જરીત મકાનનો તમામ કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો. કાટમાળ નીચે 8 લોકો ફસાયા હતા જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે અને 5 લોકોનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ જામનગરના સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
ત્રણ લોકોના મોત નિપજ્યા : સ્થાનિક લોકોના જણાવ્યાં અનુસાર બપોરના સમયે જ જર્જરીત મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. ત્યારબાદ અહીં કુલ છ ફેમિલી રહેતી હતી જેમાંથી મોટાભાગના લોકો જર્જરીત બિલ્ડિંગમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે એક પરિવાર આ બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યો ન હતો અને આ પરિવારના ત્રણ વ્યક્તિના મોતની નિપજ્યા છે.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા : મૃતકોમાં મહિલા બાળક અને પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે ઇજાગ્રસ્તોમાં બાળક મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108ની મદદથી જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહીં તેમની સ્થિર હોવાનું ડોક્ટર્સ જણાવી રહ્યા છે.