- જામનગરમાં માસ્કના દંડથી વેપારીઓ પરેશાન
- SPને પત્ર લખી કરી રજૂઆત
- આર્થિક રીતે પાયમાલ થયેલા વેપારીઓમાં રોષ
જામનગર: રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેના કારણે તમામ વેપારીઓ ધંધો રોજગાર બંધ થઈ જતાં મુશ્કેલીમાં મુકાયા છે. જામનગર વેપારી એસોસિએશનના પ્રમુખે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખી માસ્કના દંડથી વેપારીઓ પરેશાન હોવાનું લખ્યું છે. ખુદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વેપારી સમાજમાંથી જ આવે છે. વેપારીઓની હાલની મનોદશાને તેઓ સારી રીતે જાણી શકે છે.
જામનગર વેપારી એસોસિએશન પ્રમુખે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
વેપારીઓ આખા દિવસમાં હજાર રૂપિયાનો ધંધો કરતા નથી અને પોલીસ કર્મીઓ તેમની પાસેથી માસ્કના નામે હજાર રૂપિયાનો દંડ વસૂલી કરી પરેશાન કરે છે એવો આક્ષેપ વેપારી એસોસિએશનના પ્રમુખે લગાવ્યો છે. રાજ્ય સરકારે લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપી છે. જેના કારણે ફરીથી વેપાર ધંધા ધમધમતા થયા છે. જોકે, વેપાર-ધંધા ધમધમતા થયા છે પણ પોલીસ દ્વારા માસનો દંડ સતત લેવામાં આવ્યો છે જેના કારણે વેપારીઓ પરેશાન થાય છે.
નાના વેપારીઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે
નાના વેપારીઓ અવારનવાર વેપારી એસોસિએશનના પ્રમુખને માસ્કના દંડ વિશે રજૂઆત કરે છે. વેપારી એસોસિએશનના પ્રમુખ જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રેનને પણ પત્ર લખીને રજૂઆત કરી છે. માસ્કને લઇને ક્યાંકને ક્યાંક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારીઓ રજૂઆત કરી રહ્યા છે કે, આગામી દિવસોમાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય લે અને વેપારીઓ ફરીથી મોકળાશથી કામ ધંધો કરી શકે તેવી છૂટ આપવી જોઈએ. સાથે-સાથે વેપારી એસોસિએશનના પ્રમુખે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે કે રાજ્ય સરકારે નાના વેપારીઓ માટે પેકેજ જાહેર કરવું જોઈએ.
આ પણ વાંચો: સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાથમાં બેનરો લઈને માસ્કના દંડ વસૂલવાનો વિરોધ કર્યો
અત્યાર સુધીમાં જામનગર પોલીસ દ્વારા કેટલો માસ્કનો દંડ વસુલવામાં આવ્યો?
હજુ પણ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સના કેસ નોંધવામાં આવી રહયા છે. નાના વેપારીઓ ડરના માર્યા વેપાર કરી રહ્યા છે. જોકે, અગાઉ સિંધી માર્કેટમાં વેપારીઓ અને પોલીસ વચ્ચે રકઝક પણ દંડને લઈ થઈ હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકોને અટકાવી તેઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા 24 વેપારીઓને પણ દંડ ફટકાર્યો
સોશિયલ ડિસ્ટનસ નહીં જાળવનારા વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરાઈ છે. આ ઉપરાંત દુકાનદારોએ પોતાની દુકાનના દ્વારે સેનીટાઈઝરની વ્યવસ્થા નહીં ગોઠવી હોય તેની સામે પણ દંડકીય કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગ રૂપે મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટુકડીઓ શહેરમાં વહેલી સવારથી માસ્ક નહીં પહેરનારા 103 લોકોની પાસેથી 20,200ના દંડની વસૂલાત કરી છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા 24 વેપારીઓને પણ દંડ ફટકાર્યો છે, અને તેઓ પાસેથી રૂપિયા 4,800ના દંડની વસૂલાત કરી છે.
આ પણ વાંચો: સુરતમાં માસ્કના નામે દંડ ઉઘરાવતો નકલી પોલીસ ઝડપાયો
છેલ્લા 10 દિવસ ના સમય ગાળા દરમિયાન કુલ 1800 કેસ
આ ઉપરાંત અનાજ કરીયાણા, ફ્રૂટના વેપારી, દવાના વેપારી પોતાની દુકાનના દ્વારે સેનેટાઈઝરની વ્યવસ્થા નહીં રાખનારા 4 વેપારીઓ સામે પણ દંડકીય કાર્યવાહી કરી છે. અને તેઓ પાસેથી દંડ વસૂલ્યો છે. છેલ્લા 10 દિવસના સમય ગાળા દરમિયાન કુલ 1,800 કેસ કરવામાં આવ્યા છે અને તમામ પાસેથી રૂપિયા 3,61,600નો દંડ વસૂલવામાં આવ્યો છે. કેન્દ્રના નિર્દેશના પગલે વેપાર ધંધામાં શરતી છૂટ ભલે અપાઈ હોય, આમ છતાં પણ સલામતીના ધોરણો જાળવવા એટલા જ જરૂરી છે. સલામતીના ધોરણોમાં છીંડા જણાશે તો કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા તંત્રએ વ્યક્ત કરી છે. જામનગર પોલીસે અત્યાર સુધીમાં શહેરીજનો પાસેથી પાંચ લાખથી વધુના માસ્કના દંડ વસુલ કર્યા છે. સોશિયલ ડિસ્ટન્સના દંડ પણ અલગ વસૂલવામાં આવી રહ્યા છે.