- હાપા માર્કેટ યાર્ડ તમિલનાડુના વેપારીઓનું પસંદગીનું યાર્ડ
- માર્કેટ યાર્ડમાંથી તમિલનાડુના વેપારીઓએ 1 હજાર ટ્રક મગફળીની ખરીદી કરી
- હાપા માર્કેટ યાર્ડમાં અન્ય જડસીઓની પણ પુષ્કળ પ્રમાણમાં આવક
જામનગર : શહેરના હાપા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં હાલાર પંથકના ખેડૂતો પોતાની મગફળી વેચાણ અર્થે આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ મગફળીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે. હાપા માર્કેટ યાર્ડમાં 30 હજાર મગફળીની ગુણીની આવક થઈ છે. તો અજમાના ભાવ પણ માર્કેટ યાર્ડમાં ઉંચા બોલાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાપા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદી કરવા આવી રહ્યા છે.
તમિલનાડુના વેપારીઓની પ્રથમ પસંદ 9 નંબરની મગફળી
હાલાર પંથકના ખેડૂતો પાસેથી તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદી કરતા હોવાથી રાજ્યમાં સૌથી ઊંચો ભાવ મળી રહ્યો છે. તમિલનાડુથી આવેલા વેપારીઓએ યાર્ડમાંથી અત્યાર સુધીમાં એક હજાર ટ્રક મગફળીની ખરીદી કરી છે. ખાસ કરીને 9 નંબરની મગફળી તમિલનાડુના વેપારીઓની પ્રથમ પસંદ છે. કારણ કે, 9 નંબરની મગફળીનું તમિલનાડુમાં વાવેતર કરવામાં આવે છે.
તમિલનાડુની જમીનને જામનગરની મગફળી જ માફક
તમિલનાડુની જમીનને જામનગર પંથકની મગફળી જ માફક આવે છે. ત્યારે હાપા માર્કેટ યાર્ડમાં દિનપ્રતિદિન ખેડૂતોને મગફળીના ઊંચા ભાવ મળતા અન્ય જિલ્લાના ખેડૂતો પણ હવે હાપા માર્કેટ યાર્ડમાં પોતાની મગફળીનું વેચાણ કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જેના કારણે હાપા માર્કેટ યાર્ડમાં ભારે ભરાવો થયો છે અને યાર્ડ અગાઉ ચાર દિવસ માટે બંધ પણ રાખવામાં આવ્યું હતું.