- દિવ્યાંગ બાળકોએ બનાવ્યા 8 હજાર જેટલા દીવડા
- અલગ અલગ વેરાઇટીના દિવડા બન્યા આકર્ષણનું કેન્દ્ર
- દિવ્યાંગ બાળકો સામાજિક અંતર જાળવી બનાવી રહ્યા છે દીવડા
જામનગર : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દિવાળીમાં દીવડાનું પણ એક ખાસ મહત્વ હોય છે. ત્યારે જામનગરમાં દિવ્યાંગ બાળકોએ ત્રણ માસની અંદર કલાત્મક અને અવનવી વેરાયટીમાં 8 હજાર દિવડાઓ બનાવી સમાજમાં બેરોજગાર યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
દિવ્યાંગ બાળકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે અનોખું કાર્ય
જામનગરના 80 ફુટ રોડ મેહુલનગર સ્થિત ઓમ ટ્રેનીંગ સેન્ટરના સ્થાપક ડિમ્પલ મહેતા દિવ્યાંગ માનસિક ક્ષતિ ધરાવતા બાળકોને શિક્ષણ સાથે દરેક તહેવારને અનુલક્ષીને અલગ અલગ પ્રવૃત્તિઓ નિખારવાનુ કાર્ય કરે છે. આ તાલીમ શાળા છેલ્લાં 12 વર્ષથી ચાલે છે. હાલમાં ચાલી રહેલા કોવિડ-19ના કારણે સામાજિક અંતર જાળવીને બાળકો પાસે દિવડાઓ બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે.
આ વખતે દિવ્યાંગ બાળકોએ સાત થી આઠ હજાર જેટલા દિવડાઓ બનાવ્યા છે. જેમાં અલગ અલગ અવનવા દિવડાઓમા કુંડીવાળા, સાથિયાવાળા , મીણવાળા, મીણવગરના તેમજ તુલસીના ક્યારાવાળા અને જુદી જુદી વેરાયટીના દિવડાઓ બનાવ્યા છે.
દિવ્યાંગ બાળકોએ બનાવેલા દીવડા નજીવી કિંમતે વેચાઈ રહ્યા છે બજારમાં...
ખાસ કરીને આ સંસ્થાના સંચાલકે સમાજને અપીલ કરી છે કે, આ વખતે દિવાળી પર્વમાં તમારા ઘરે જે દિપ પ્રગટાવો છો તો તમે આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા કલાત્મક અને અવનવા દીવડાઓ લઈને દિપ પ્રજ્વલિત કરો અને તમારા જીવનમાં અને આ બાળકોના જીવનમાં ઘણો બધો ઉજાસ આવે એવી અપીલ કરવામાં આવી છે. જ્યારે આ દીવડા નજીવી કિંમતના છે. આ દીવડાઓ મેળવવા ઓમ ટ્રેનીંગ સેન્ટર એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, 80 ફુટનો રોડ ટેલિફોન એક્સચેન્જની સામે, જામનગર અને કુરીયરથી પણ સંસ્થા લોકોના સરનામાં પર દિવડા મોકલાવી આપવાની સુવિધા રાખવામાં આવી છે.