જામનગર ખાતે સરકારી એમ.પી.શાહ મેડિકલ કોલેજના દેશ વિદેશના 2 હજારથી વધુ તબીબોના મહા સંમેલનમાં ખાસ કરીને દરરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જામનગરના સાંસદ પુનમબેન માડમના સફળ પ્રયત્નોથી તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજભાઇ નથવાણીના સહયોગથી રાત્રીના જામનગરની ભાગોળે બોલિવૂડની ફેમસ સિંગર શ્રેયા ઘોષાલ મ્યુઝિકલ નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં જામનગર સહિત દેશ વિદેશના તબીબો તેમજ શહેરીજનો, જિલ્લા પોલીસ વડા અને આમંત્રિત મહેમાનો સહિત 10 હજારથી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમના પિતા અને તબીબી તેમજ અન્ય સેવાઓમાં ખૂબ મોટું નામ છે. તેવા સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ અંગેની ડોક્યુમેન્ટ્રી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.
શિયાળાની કડકડતી ઠંડીમાં પણ શ્રેયા ઘોષાલ દ્વારા રજૂ કરવામાં આવેલા શું મધુર ગીતોની અદ્ભૂત લાઇટ એન્ડ સાઉન્ડ સાથે મોજ માણી હતી. મોડી રાત સુધી ચાલેલા મ્યુઝિકલ ઈવેન્ટમાં લોકો શ્રેયા ઘોષાલ દ્વારા રજૂ કરવા આવેલા જૂના અને નવા ગીતોની રસ્થાળથી મંત્રમુગ્ધ થયા હતાં અને ઠંડીમાં પણ મોડે સુધી મ્યુઝિકલ નાઇટની મોજ માણી હતી.
જ્યારે આ ઇવેન્ટ જામનગરના ઇતિહાસમાં એક યાદગાર ઇવેન્ટ તરીકે સાબિત થઈ હતી. શ્રેયા ઘોષલના જુદા જુદા પર્ફોર્મન્સ અને ગીતો પર તબીબો સહિત તમામ ઉપસ્થિત જનમેદની ઝૂમી ઉઠી હતી તો સામે શ્રેયા ઘોષાલે પણ જામનગરવાસીઓ દ્વારા મળેલા અભૂતપૂર્વ આવકાર અને પ્રેમને વધાવ્યો હતો.