જામનગર: શહેરમાં સોમવાર સવારથી ધીમીધારે વરસાદ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. શ્રાવણ માસના પ્રથમ સોમવારે વરસાદ વરસતા અનોખો માહોલ જોવા મળ્યો હતો. મેઘરાજાએ પણ આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં જળાભિષેક કર્યો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ થોડા સમયના વિરામ બાદ જામનગર શહેરમાં સોમવારથી ફરી વરસાદ શરૂ થયો હતો.
ધીમીધારે વરસાદ: જામનગરમાં સોમવાર વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતું અને બાજુમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જોકે જામનગર શહેરમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો જામનગર તાલુકા તેમજ ધ્રોલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે અને ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ: મગફળી કપાસ સહિતના પાકને આ વરસાદથી સારો એવો ફાયદો થશે. જામનગર પંથકમાં સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારબાદ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જામનગરને છોટા કાશી કહેવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક જગ્યાએ મહાદેવના મંદિરો આવેલા છે. તેમાં આજરોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાના કારણે તમામ મહાદેવના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ચાલુ વર્ષે પણ લોકો લાંબી કથામાં મહાદેવના દર્શન કરવા માટે વિવિધ મંદિરોમાં ઉમટ્યા હતા.
પંથકના લોકોમાં ભારે ઉત્સાહ: આમ જામનગરમાં ત્રણ મહિનાના પ્રથમ સોમવારે લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થયું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેમજ ખેડૂતોને ખેતીમાં સારો ફાયદો થાય તેવો વરસાદ થયો છે. તેના કારણે આ પંથકના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.