જામનગર: યુવાનો ખાસ કરીને નશાના રવાડે ચડતા હોય છે અને જુદા જુદા નશા કરતા હોય છે. ત્યારે જામનગર શહેરમાં ચોકલેટ નશાવાળી મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. કારણ કે પાનની દુકાનોમાં નશાયુક્ત ચોકલેટનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જામનગર એસ.ઓ.જી પોલીસને ચોક્કસ બાતમી મળતાં પાનની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જુદા જુદા વિસ્તારોમાં નશાકારક ચોકલેટનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં SOG પોલીસે દરોડો પાડી નશાકારક ચોકલેટના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
બાતમીના આધારે પાડ્યા દરોડા: જામનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 હિંગળાજ ચોક રમેશ હાર્ડવેર નામની દુકાનની બાજુમાં આવેલ ઉમંગ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં ઉમંગભાઈ નંદા તથા શેરી નંબર 58 હિંગળાજ ચોક ગોળ ગોડાઉન વાળી ગલીમાં આવેલ પાયલ પાન નામની દુકાનમાં ડાડુભાઇ ચંદ્રવાડીયા પોતાની દુકાનમાં નશાકારક ચોકલેટ રાખી તેનું વેચાણ કરી રહ્યા છે.
FSLમાં સેમ્પલ મોકલ્યાં: પોલીસે દરોડો પાડી દુકાનમાંથી જુદા જુદા નામવાળી ગેરકાયદેસર નશાકારક ચોકલેટ નંગ 445 તથા આ નશાકારક ચોકલેટની સપ્લાય કરનાર રામસીભાઇ ગોઝિયાના તેથી જુદા જુદા નામવાળી કુલ ચોકલેટ 21,805 કિંમત રૂપિયા 34,305 ના મુદ્દામાલ સાથે આ ત્રણેય શખ્સોની ઝડપી પાડ્યા છે. પોલીસ આ મામલે નશાકારક ચોકલેટ એફએસએલમાં મોકલી અને વધુ સઘન તપાસ હાથ ધરી રહી છે.
'એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જે અનુસંધાને પોલીસે પાનની દુકાનમાં ચેકિંગ કર્યું હતું. ત્યારે આ નશા યુક્ત ચોકલેટનો જથ્થો મળી આવ્યો છે. પાનની દુકાનના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.' - જ્યવિર સિંહ ઝાલા, DYSP