જામનગર: કોરોના વાઇરસએ વૈશ્વિક મહામારી છે. જેનો ભોગ અનેક દેશ તેમજ રાજ્યો બન્યા છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે જામનગરમાં કોરોના પોઝિટિવ કેસ વધતા આજરોજ શનિવારે મુખ્યપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન જામનગર ખાતે દોડી આવ્યા હતા અને અહીં વહીવટીતંત્ર સાથે તાત્કાલિક બેઠક યોજી હતી.
ઉલ્લેખનીય છે કે શહેરમાં 1200 બેડની વ્યવસ્થા કરાઈ છે અને હવેથી રાજ્યમાં ત્રીસ હજાર અને જિલ્લામાં દરરોજ એક હજાર ટેસ્ટિંગ કરવાની સૂચના પણ મુખ્ય પ્રધાને આપી હતી. મહત્વની જો વાત કરવામાં આવે તો જિલ્લાની જી જી હોસ્પિટલમાં હાલ 175 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. આ સાથે સાથે ધનવંતરી રથની સંખ્યા વધારવાની સૂચના મુખ્ય પ્રધાને આપી હતી.
મુખ્ય પ્રધાને મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે જામનગરમાં સુરત, અમદાવાદથી આવતા લોકોનું ટેસ્ટિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. વધુમાં શ્રેય હોસ્પિટલની દુઃખદ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અગ્નિ કાંડના જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવાશે તેવુ જણાવ્યું હતું.