- INS વાલ સુરામાં મર્જ્ડ ઇલેક્ટ્રિકલ આર્ટિફિસર ટ્રેનિંગ નાવિક અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડ યોજાઇ
- INS વાલસુરામાં પાસિંગ આઉટ પરેડ યોજાઇ
- 160 નૌસેનાના જવાનો પાસિંગ આઉટ પરેડમાં જોડાયા
જામનગરઃ ભારતીય નૌ સેનાની અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલિમ સંસ્થા INS વાલસુરા ખાતે 10 ડિસેમ્બર 2020ના રોજ મર્જ્ડ ઇલેક્ટ્રિકલ આર્ટિફિસર ટ્રેનિંગ (MEAT) અભ્યાસક્રમના 160 તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. MEAT અભ્યાસક્રમ 106 અઠવાડિયાથી લાંબો છે. જે અંતર્ગત નવેમ્બર 2018થી ડિસેમ્બર 2020 સુધી તાલીમ આપવામાં આવી હતી અને તાલીમાર્થીઓને રડાર, સરફેસ અને સબ-સરફેસ હથિયારોની ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક યુદ્ધ, નિયંત્રણ પ્રણાલીઓ સહિત ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વિવિધ ટેકનોલોજી વિશે અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
પાસિંગ આઉટ પરેડની સમીક્ષા
INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડોર અજય પટનીએ આ સંસ્થા ખાતે યોજવામાં આવેલી પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી. કમાન્ડિંગ ઓફિસરે તમામ તાલીમાર્થીઓને તેમની પ્રોફેશનલ તાલીમ સફળતા પૂર્વક પૂરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સલાહ આપી હતી કે, અભ્યાસની પ્રક્રિયા સતત ટકી રહેવી જોઇએ જેથી ટેકનોલોજીમાં થતા અદ્યતન વિકાસ સાથે તેઓ કદમતાલ મિલાવી શકે. તેમણે તમામ આર્ટિફિસર્સને સક્ષમ પ્રોફેશનલ બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને ભારતીય નૌ સેનાના પ્લેટફોર્મ હંમેશા યુદ્ધ માટે તૈયાર રહે તે સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું.
બુક પુરસ્કારનુ આયોજન
પાસિંગ આઉટ પરેડ દરમિયાન, કોમોડોરે 'શ્રેષ્ઠ ઓલ રાઉન્ડ નાવિક' તરીકેની એડમિરલ રામનાથ ટ્રોફી પ્રશાંત કુમાર EA(P)/ APPને અને 'શ્રેષ્ઠ સ્પોર્ટ્સમેન' તરીકેની કમાન્ડિંગ ઓફિસર, INS વાલસુરા ટ્રોફી રમેશ ધાધરિયા EA(P)/ APPને એનાયત કરી હતી. પાવરસ્ટ્રીમના પ્રશાંતકુમાર EA(P)/ APP અને રેડિયો સ્ટ્રીમના વિકાસ EA(R)/ APP ને તેમની વ્યક્તિગત સ્ટ્રીમમાં મેરિટ ક્રમના અનુક્રમે પ્રથમ અને બીજો ક્રમ મેળવવા બદલ કમાન્ડરના હસ્તે બુક પુરસ્કાર આપવામાં આવ્યા હતા.