જામનગર : સાળંગપુર હનુમાન મંદિરના ભીંતચિત્રોનો વિવાદનો થોડા દિવસ અગાઉ જ અંત આવ્યો છે. ભારે ગરમાગરમી બાદ આખરે સ્વામિનારાયણ મંદિરના પ્રશાસન દ્વારા આ વિવાદિત ચિત્રો હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે જામનગરમાં બીજો એક વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ નાથ સંપ્રદાય અને ગેબીનાથ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે નાથ સંપ્રદાય અને આસ્થા ધરાવતા લોકોની લાગણી દુભાઈ હતી. આ અંગે રાજપૂત સમાજ દ્વારા જામનગર કલેકટર કચેરી ખાતે આ અંગે આવેદન આપવામાં આવ્યું હતું.
વિવાદાસ્પદ ટિપ્પણી : આ બાબતે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગુજરાતના અધ્યક્ષ ગોવુભા કાથડજી જાડેજાએ માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે, સનાતન ધર્મને ટકાવવા માટેની તેમજ સનાતન ધર્મ ટકી રહે, તેનું અસ્તિત્વ જોખમાય નહીં તે માટે હિન્દુ તરીકેની એક વિનંતી છે. છેલ્લા કેટલા સમયથી સમાચાર પત્રો, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી સનાતન ધર્મ વિશેની ટિપ્પણીઓ ખુબ જ આવે છે. પોતાના સંપ્રદાયને ખુબ જ ઊંચો દેખાડવામાં આવા લોકો બીજા સમાજને સાવ નિમ્ન કક્ષાનો બતાવવાનો એક હલકો એવો પ્રયાસ કરી રહ્યા છે.
ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતા ધાર્મિક સ્થાન જેમ કે, ચાલાલ આપા દાનબાપુ, પાળીયાદ વિસામણબાપુ, સતાધાર આપા અને ગીગા બાપુ આ બધી જ જગ્યાઓનું ગુરુ ગાદી સ્થાન એટલે ગેબીનાથજી બાપુની જગ્યા. આવા સિદ્ધ પુરુષ વિશે ગેબી કાન્ફો (જેમના કાન ફાટેલા હોય અને કુંડળ પહેરેલા હોય એવા) શબ્દ પ્રયોગ કરેલા અને શીંગડા વાળો અસુર આવું પૂજ્ય ગેબીનાથજી વિશે સંબોધન કરેલ. જે પુરા નાથ સંપ્રદાયને પણ અપમાનિત કરેલ હોય એમ જણાય છે. -- ગોવુભા જાડેજા (અધ્યક્ષ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગુજરાત)
સ્વામી પર આક્ષેપ : તેઓએ વધુમાં જણાવ્યું કે, આવી જ એક બાબત છેલ્લા સમયમાં ધ્યાનમાં આવી છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ દ્વારા ખુબ જ પાયાવિહોણી અને ખુબ જ હલકી કક્ષાની વાત એમની ચાલુ કથામાં લાઈવ કહી છે. આ સાધુનું નામ બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી છે. તેઓ વડતાલ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં બિરાજે છે. નિત્ય કથા નામથી યૂટ્યુબમાં પોતાના પ્રોગ્રામ દ્વારા પ્રજામાં ભ્રમ ફેલાવે છે.