- પ્રભારી સચિવે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી
- કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી
- આગામી દિવસોમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા જણાવ્યું
જામનગર: શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાંઓ, જિલ્લામાંની રસીકરણની કામગીરીનું સુપરવિઝન તેમજ અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટી તંત્રને આવશ્યક માર્ગદર્શન પૂરૂ પાડવા માટે પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય જામનગરમાં આવ્યા હતા. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી.
રસી લેનારાઓના અનુભવ જાણ્યા
સચિવે જામનગરમાં કામદાર કોલોની UPHC ખાતેના કોવિડ પ્રતિરોધક રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સચિવે રસી લેનારા લાભાર્થી સિનિયર સિટિઝનો સાથે સંવાદ પણ કર્યો હતો અને લાભાર્થીઓના અનુભવો જાણ્યા હતા. આ બેઠક અને મુલાકાતમાં કલેક્ટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, મ્યુનિ.કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મીતાબેન જોષી, પ્રાંત અધિકારીઓ, એમ.ઓ.એચ ઋજુતાબેન જોશી વગેરે અધિકારીઓ જોડાયા હતા.