• લાલપુર કોર્ટમાં થયેલી હત્યામાં આરોપીને આજીવન કેદની સજા
• વર્ષ 2011માં પુત્રની હત્યાનો પિતાએ બદલો લીધો
- લાલપુર કોર્ટ બહાર પુત્રના હત્યારાઓ ઉપર છરીના ઘા ઝીંકયા
જામનગર: લાલપુર કોર્ટમાં હત્યા કેસની મુદતમાં આવેલા આરોપી ઉપર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાના કેસમાં અદાલતે આરોપીને તક્ષીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને 5000નો દંડ ફટકારવાનો કોર્ટે આદેશ કર્યો છે.
2011માં લાલપુર કોર્ટમાં થઈ હતી હત્યા
આ કેસની વિગત મુજબ વર્ષ 2011માં એપ્રિલ માસમાં હનિફ યુસુફ સંધીની સુલતાન ઓસમાન સંધી નામના શખ્સે હત્યા નિપજાવી હતી અને આ હત્યાના કેસમાં રાજકોટ જેલમાં રહેલા સુલમાત ઓસમાણ સંધીને લાલપુર અદાલતમાં મુદતે પોલીસ જાપ્તા સાથે લઇ આવવામાં આવ્યો હતો ત્યારે કોર્ટની બહાર બાંકડા પર બેસેલા સુલતાન ઉપર પુત્ર હનિફની હત્યાનો બદલો લેવા માટે યુસુફ સંધીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.
આ હત્યાના બનાવમાં પીએસઆઇ એચ.કે. બાંભણિયાએ યુસુફ સંધી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ હત્યાનો કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જે.કે. ભંડેરી અને રાજેશ વસિયર દ્વારા 25 સાહેદોને તપાસી 40 જેટલા દસ્તાવેજોના આધારે ધારદાર રજૂઆત દલીલો કરી હતી. આ દલીલોના આધારે કોર્ટે આરોપી યુસુફ સંધીને તક્ષિરવાન ઠેરવી આજીવન કેદની સજા અને 5000નો દંડ ફટકારવાનો આદેશ કર્યો હતો.