જામનગરમાં ગત વર્ષમાં ઓછા વરસાદના કારણે પીવાના પાણીની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. ત્યારે શહેરના માનવીઓ તો કોઈને કોઈ રીતે પાણીની પોતાની વ્યવસ્થા કરી લે છે, પરંતુ કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષી કેવીરીતે પોતાની વ્યવસ્થા કરે? ત્યારે જામનગરની સાત રસ્તા પાસે આવેલી સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીના માળાનું વિનામુલ્યે વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર બર્ડસિટી તરીકે પણ જાણીતુ છે. ત્યારે દેશ વિદેશના હજારો કિલોમીટર દૂરનો પ્રવાસ કરીને અનેક પક્ષીઓ જામનગરના મહેમાન બને છે અને આ પક્ષીઓને પૂરતું પીવાનું પાણી મળી રહે તેવા હેતુસર સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલના સંચાલક કેતનભાઈ દ્વારા પાણીના કુંડા અને ચકલીના માળાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરની જનતા પણ પક્ષીપ્રેમી હોવાથી આ આયોજનનો ખૂબ લાભ લીધો હતો અને સવારથી જ વિતરણ સ્ટોલ પર આવી ચકલીના માળા અને કુંડા હોંશભેર પોતાના ઘેર લઈ ગયા હતા.જામનગર શહેર અને જિલ્લામાં કેતનભાઈ દ્વારા અંદાજે 5000થી વધારે પાણીના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.