જામનગર : જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે જામનગરમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મહત્વનું નિવદન આપતા જણાવ્યું કે હું માનું છું કે પેપર લીકની ઘટના કોઈ પણ સંજોગોમાં રોકાવી જોઈએ. અમારી એબીવીપીની પાંખ પણ આનો વિરોધ કરી રહી છે. ધારાસભ્ય હાર્દિક પટેલે એટીએસની કામગીરીને પણ બિરદાવી છે.
જામનગરની કોર્ટમાં નિવેદન આપવા આવ્યા હાર્દિક પટેલ : ગત વર્ષોમાં પાટીદાર અનામત આંદોલન અન્વયે અલગ અલગ જગ્યાએ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. દરમ્યાન જામનગર જિલ્લાના ધુતારપર, ધુળશીયા ખાતે જાહેરનામાં ભંગની ફરિયાદ જે તે વખતના પાસ ક્ન્વીનર હાર્દિક પટેલ સામે નોંધાઇ હતી. આ અંગેના કેસમાં આજરોજ હાર્દિક પટેલ જામનગરની કોર્ટમાં હાજર રહ્યા હતા અને પોતાનું નિવેદન નોંધાવ્યુ હતું.
આ પણ વાંચો Ahmedabad Rural Court : હાર્દિક પટેલ હાજીર હો... નિકોલ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાઠવ્યું સમન્સ
ATSની કામગીરી બિરદાવી : આ તકે ખાસ તો હાર્દિક પટેલે જણાવ્યું કે પેપર લીક મામલે કડક કાયદો બનાવવો જોઈએ, પેપર લીકની ઘટના રોકાવી જોઈએ તેમજ ATS ની કામગીરીને પણ બિરદાવી હતી.
ફરિયાદ અંગેની વિગત : મુજબ જામનગરની એડી ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટેટ નંદાની કોર્ટમાં આજરોજ ધારાસભ્ય હાર્દિક પટેલ પાસ ક્ધવીનર ધૂતારપર ધૂળસીયાના જાહેરનામાના ભંગના કેસમાં હાજર થયેલ અને આજરોજ ફર્ધર સ્ટેટમેન્ટના સ્ટેજ હતો અને હાર્દિક પટેલ દ્વારા કેસમાં પોતાનું નિવેદન આપેલ હતું.
આ કેસમાં હાર્દિક પટેલ વતી જાણીતા એડવોકેટ દિનેશભાઈ વિરાણી તથા રશીદ ખીરા તથા મોશીન ગોરી હાજર થયેલ હતા.
સરકારે નરમ વલણ અપનાવ્યું : અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન વખતે જામનગર સહિત અલગ અલગ વિસ્તારોમાં ફરિયાદો નોંધવામાં આવી હતી, જે પૈકીની કેટલીક ફરિયાદો સામે સરકારે નરમ વલણ અપનાવ્યુ હતું, દરમ્યાન જામનગર તાલુકાના ધુતારપર ખાતેના જાહેરનામા ભંગ કેસમાં આજે તારીખ હોવાથી હાર્દિક પટેલ હાજર રહ્યા હતા.
મંજૂરી વગર યોજી હતી સભા : 2017 ની સાલમાં પાટીદાર આંદોલન વખતે ધુતારપર ગામે પોલીસની મંજૂરી વગર હાર્દિક પટેલે સભા યોજી હતી જે અનુસંધાને જામનગર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે હાર્દિક પટેલ આજરોજ કોર્ટમાં હાજર થયો હતા. સાથે સાથે હાર્દિક પટેલે જણાવ્યું કે તેમને ન્યાયપાલિકા પર પૂરો ભરોસો છે અને પાટીદારો સામે જે કેસ કરવામાં આવ્યા છે તે તમામ કેસોમા નિર્દોષ પાટીદારોને હેરાન કરવામાં આવ્યા છે.જો કે ન્યાયપાલિકા તમામ પાટીદારોને ન્યાય આપશે.