જામનગરમાં સશસ્ત્ર સેના ધ્વજદિનના આગોતરા આયોજન અંગે મ્યુનિસિપલ કમિશનર અને ઈન્ચાર્જ કલેકટર સતિશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિતે 51,101નો વ્યક્તિગત ફાળો આપી અનેરી દેશ સેવા કરનાર વરિષ્ઠ નાગરિક શ્રીમતી રંજનબેન નટવરલાલ શાહનું કલેકટર સતિશ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેકટર સતિશ પટેલે દેશના વીર જવાનોના બલિદાન તેમજ તેની સેવાઓને બિરદાવી હતી. તેમજ જિલ્લાના તમામ નાગરિકોને સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિતે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરતા જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ ગાંધીનગર તરફથી વર્ષ 2018-19ની સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી નિમિતે આપણા જિલ્લાને 20 લાખનો ફાળો એકત્રિત કરવા લક્ષ્યાંક ફાળવેલ હતું. જેની સામે વિવિધ સરકારી, અર્ધ સરકારી વિભાગો, ખાનગી શાળાઓ તથા વ્યક્તિગત તરફથી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ઉદાર હાથે ફાળો આપીને લક્ષ્યાંકથી પણ વધુ કુલ રકમ 24,32,787 એકત્રિત થઈ છે.
આ તકે વર્ષ 2018-19 દરમિયાન સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સરકારી કચેરીઓ, શહેરી/ગ્રામીણ સ્કુલો, શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓ તથા વ્યક્તિગત રીતે મહત્તમ યોગદાન આપનાર કુલ 35 દાતાઓને પ્રશંસાપત્રો અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ આપણા જિલ્લાને 20 લાખ ફાળો એકત્રિત કરવા લક્ષ્યાંક ફાળવેલ છે. જેની સામે અત્યાર સુધીમાં વિવિધ સરકારી, અર્ધ સરકારી વિભાગો, ખાનગી શાળાઓ અને વ્યક્તિગત તરફથી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રકમ11,14,208 મળેલ છે. આ બેઠકમાં ઉપસ્થિત તમામને 'જરા યાદ કરો કુરબાની' દેશભક્તિ પર આધારિત અને સૈનિકોના જીવનને વણી લેતી એક ટુંકી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવેલ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવસવાટ અધિકારી સંદીપ જયસ્વાલ, જિલ્લા સૈનિક કલ્યાણ વ્યવસ્થાપક પ્રદિપભાઇ વાયડા, મહિલા સૈનિક ક્લ્યાણ વ્યવસ્થાપક રેખાબેન દુદકીયા, સૈનિક કલ્યાણ અને પુનવર્સન વિભાગના એન.જે.જાડેજા, રમેશભાઇ ડાંગર, રઇશ ઘાંચી તથા વિવિધ સરકારી, અર્ધ સરકારી વિભાગો, ખાનગી શાળાઓ અને વ્યક્તિગત દાન આપનાર દાતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.