જામનગર: રંગમતી આવાસમાં ગંદા પાણી અને પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, 2022માં તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર વિવિધ જગ્યાએ આવાસનું નિર્માણ કરી રહી છે.
જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 4 હજાર જેટલા આવાસના મકાનો બનાવવામાં આવ્યા છે. આ આવાસમાં લાઈટની સુવિધા ન હોવાના કારણે સ્થાનિકો પરેશાન થયા છે.
તો બીજી બાજુ આવાસમાં ગટરની પણ વ્યવસ્થા ન હોવાને કારણે ઠેરઠેર ગંદાપાણીની ગટરો ઉભરાઇ રહી છે. જેના કારણે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાપામાં રંગમતી આવાસ યોજનામાં સ્થાનિકોની કંઈક આવી હાલત જોવા મળી રહી છે. જેેેથી સ્થાનિકોએ કોર્પોરેટર રચના નંદાણીયા અને જેનબ ખફીને રજૂઆત કરી હતી.
સ્થાનિકોએ પૂર્વે પણ જામનગર મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. છતાં પણ સમસ્યાનો કોઇ ઉકેલ ન આવતા આખરે સ્થાનિકો રોષે ભરાયા હતા.
આમ રાજ્ય સરકારે વિવિધ જગ્યાએ આવાસ તો બનાવ્યા છે પણ આવાસમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના કારણે આવાસ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે.