જામનગરઃ જિલ્લામાં સતત વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે ચિંતા જનક બન્યો છે, ત્યારે જામનગર ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં આવે તેમ જ જે ખેડૂતોની જમીન ધોવાઇ ગઇ છે.
તેમનું સર્વે કરી તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને જો ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી 8 દિવસમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
જામનગરમાં કિસાન સંઘનું સરકારને અલ્ટીમેટમ દેશના લોકોની જઠરાગ્નિ ઠારતા ખેડૂતો લાચાર બન્યો છે. ભારે વરસાદના કારણે જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા જામનગર જિલ્લામાં તાત્કાલિક સર્વે કરવામાં આવે અને અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. તેમને વળતર આપવામાં આવે તેમ જ પાક વીમો પણ તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી કિસાન સંઘ દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી છે.કિસાન સંઘ દ્વારા થોડા દિવસો પહેલા પણ જામનગર જિલ્લા કલેક્ટર એસ રવિશંકરને પાક વીમા બાબતે આવેદનપત્ર આપ્યું હતું.જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 100 ટકા જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એ મહત્વનું છે કે, જામનગર જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર વધુ પ્રમાણમાં થતું હોય છે. જો કે, વધુ પડતા વરસાદના કારણે કપાસ તેમજ મગફળીનો પાક હાલ પીળો પડી ગયો છે અને આ પાક સમગ્ર નાશ પામશે તેવી ખેડૂતો સેવી રહ્યા છે, ત્યારે કૃષિપ્રધાનના જિલ્લામાં ખેડૂતોનું સર્વે કરાવવામાં આવે અને તમામને વળતર આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે.