જામનગરઃ જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં ભક્તોની ભારે ભીડ હોય છે. કારણ કે અહીં સમગ્ર હલાર પંથકના દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે. આ સાથે સાથે અન્ય રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોય છે. દિલથી જે પણ માનતા માનવામાં આવે તે ભક્તોને ફળીભૂત થાય છે. ખાસ કરીને વિશ્વનાથ મહાદેવ મંદિરે લોકો પગપાળા પણ ચાલીને આવતા હોય છે.
આ પણ વાંચો Jamnagar : ઠંડીના ચમકારાને લઈને ચીડિયા ઘરમાં પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા
રૂદ્રીની પૂજાઃ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં રુદ્રીનું અનોખું મહત્વ રહેલું છે. ભક્તો અહીં વિવિધ વાર તહેવારે રુદ્રી ચડાવતા હોય છે. તેમાં શ્રાવણ મહિનામાં જામનગર ઉપરાંત મુંબઈથી પણ ભક્તો રુદ્રી ચડાવવા માટે આવે છે. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં વિવિધ અભિષેક પણ કરવામાં આવે છે. આ સાથે સાથે દર સોમવારે અહીં વિવિધ શૃંગાર તેમજ મહાદેવને ભોગ પણ કરવામાં આવે છે.
શિવપૂજા કરાય છેઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં જે કાશી વિશ્વનાથનું જે મંદિર છે એવું જ આબેહુબ મંદિર જામનગરમાં આવેલું છે. જામનગરમાં આવેલું કાશીવિશ્વનાથ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં શ્રાવણ મહિનામાં જ નહીં પણ બાકીના મહિનાઓમાં પણ ભાવિકોની ભીડ રહે છે. ખાસ કરીને કર્મપીડાથી પરેશાન લોકો અહીં શિવપૂજા હેતુ આવે છે. જેમાં ખાસ પૂજાવિધિ કરીને શિવના આશીર્વાદ મેળવે છે. જેથી એમને કર્મબંધનમાંથી મુક્તિ મળી રહે.
ચારે દિશામાં દરવાજાઃ આ મંદિરની ખાસ વાત એ છે કે, આ મંદિરની ચારેય દિશામાં દરવાજા આવેલા છે. એટલે કોઈ પણ દિશામાંથી ભાવિકો દર્શન કરી શકે છે. રાશિ અનુસાર પૂજા કર્યા બાદ પણ કેટલાક ભાવિકોને વિધ્ન નડતા હોય કે, નોકરી ન મળતી હોય અથવા તો સંસાર સંબંધીત પીડા હોય તેઓ અહીં આવીને દર્શન કરે તો એ તમામ કર્મપીડામાંથી મુક્તિ મળે છે.
શેરડીના રસથી અભિષેકઃ જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન મહાદેવની શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે. ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા અર્થે પૂજારી અહીં નિયમિત જળ, પંચામૃત, દૂધ, દહી, શેરડીનો રસ, નારિયેલ પાણીનો અભિષેક કરે છે.
ભક્તોની સેવાઃ શ્રાવણ માસ નિમિતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શિવજીના વિવિધ શ્રૃંગાર દર્શન જેમકે ભસ્મ, ભીમસેન, કપૂર, અબીલ ગુલાલ, કંકુ, માખણ, ડ્રાયફ્રૂટ, ચોખા, કઠોળ, તથા સોના- ચાંદીના વરખના દર્શન અને અમરનાથના દર્શનની ઝાંખી કરવામાં આવે છે. ભક્તો પણ આ સેવામાં જોડાઈને દર્શનનો લ્હાવો લઈ શકે છે. અહીં પૂજા કરાવવાથી ભવભવની કર્મની પીડા દૂર થાય છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં વ્રત રાખનારા લોકો અહીં કર્મબંધનની મુક્તિ હેતું દર્શન કરવા આવે છે.
શા માટે આવે છે દર્શન કરવાઃ મંદિરમાં બિરાજમાન શિવલિંગ વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં વિશ્વાન બ્રાહ્મણો દ્વારા પુજા, અર્ચન, પ્રાર્થના કર્યા બાદ અખંડ દૂધની ધારાવાહી તથા અખંડ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લાવવામાં આવી હતી. ઘણી વખત કર્મ કરવાથી પણ યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી. આવા કેસના સોલ્યુશન હેતું ઘણા લોકો કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા આવે છે. ખાસ કરીને યુપીના કાશી સુધી ન જઈ શકતા લોકોને આ મંદિર પર ખૂબ જ આસ્થા છે.
શનિવારે પણ ભીડઃ આ મંદિરમાં અન્ય મંદિર જેમ ગણપતી, કાળભૈરવ, હનુમાનજી, ચંડભૈરવ, બટુક ભૈરવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં શનિવારે પણ કેટલાક લોકો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે. ભક્તોની એવી પણ આસ્થા છે કે, અહીંયા હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શિવ અને એના ગણ હનુમાન બન્નેના આશિષ મળે છે.
ધ્વજા દર્શનઃ મંદિરને ઘુમટ્ટ પરથી જોતાં તેની રચના ચોપાટ જેવી કરવામાં આવી છે. આ મંદિર કુલ 72 સ્તંભ પર બંધવામાં આવ્યું છે. મંદિરના દરેક સ્તંભ પર વિવિધ દેવી દેવતાને સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રકારના ભારતમાં માત્ર ત્રણ જ મંદિરો આવેલા છે. જેમાં વારાણસીમાં આવેલ કષિવિશ્વનાથ મહદેવ મંદિર, નેપાલમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર તેમજ જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. વહેલી સવારે કેટલાક ભાવિકો ધ્વજાજીના દર્શન માટે પણ આવે છે. શિવજીને શ્રાવણ મહિનામાં ખાસ ધ્વજા ચડાવવામાં આવે છે.
આ મંદિર જામનગરમાં 127 વર્ષ પૂર્ણ કર્યું છે જ્યારે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે આ શિવલિંગને નર્મદાનાં કિનારેથી વારણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં પૂજા અર્ચના કર્યા બાદ અખંડ દૂધની ધારવાળી અને અખંડ જ્યોત દ્વારા કાવડમાં વાજતે ગાજતે લાવવામાં આવી હતી. ત્યારબાદ અહીં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી-- સુખદેવ મહારાજ (મંદિરના પૂજારી)