• જામજોધપુરના 20 ગામોના અંદાજીત ખેડુતોને વીજ પુરવઠો પ્રાપ્ત
• ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો છે
- જામજોધપુર ખાતેથી “કિસાન સુર્યોદય યોજના”નો જયેશભાઇ રાદડિયાએ કરાવ્યો શુભારંભ
જામનગર: ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામા આવેલી “કિસાન સુર્યોદય યોજના”નો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશભાઇ રાદડિયાએ એ.પી.એમ.સી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. અનેક રાજ્યોમાં આજે પણ જીવન જરૂરિયાતની વસ્તુ વિજળી દિવસે પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી. ત્યારે ગુજરાતના ખેડૂતને ખેતી માટે દિવસે વિજળી મળવાનો પ્રારંભ થયો છે. સરકારે પાણી માટે જેમ સૌની યોજના થકી સૌરાષ્ટ્રમાં નર્મદાના નીર ઘરે ઘરે પહોંચાડ્યા છે તેવી જ રીતે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળશે અને ખેડૂતોની દરેક તકલીફનો અંત આવશે તેવું તેમણે જણાવ્યું હતું. આ સરકાર ખેડૂતોની સરકાર છે. સરકારે વીજળી, પાણી જેવી આંતરમાળખાકીય સુવિધાઓને પ્રાથમિકતા આપી છે.
હવે ખેડૂતોને દિવસે વીજળી મળતા રાત્રે પિયત કરવા જવાની અગવડોમાંથી રાહત મળશે. રાત્રી દરમિયાન જંગલી પશુઓના ત્રાસ, સર્પદંશ જેવી ઘટનાઓથી ખેડૂતો અગાઉ પારાવાર મુશ્કેલીઓ ભોગવતા હતા. કિસાન સૂર્યોદય યોજનાથી આ દરેક અગવડતાનો અંત આવશે. આજે વિજળીમાં સરપ્લસ ઉત્પાદન કરતું દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. સરકારે સૂર્યઉર્જા, પવનઉર્જા સ્ત્રોતોથી લોકોના ઘરઆંગણે વિજળી ઉત્પન્ન કરી વિકાસ કર્યો છે.
- ધારાસભ્ય સહિત અનેક લોકો રહ્યા હતા હાજર
આ તકે પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, એ.પી.એમ.સી જામજોધપુરના ચેરમેન દેવાભાઇ પરમાર, એ.પી.એમ.સી જામજોધપુરના ઉપપ્રમુખ સી.એમ.વાછાણી, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સી. કે. પટેલ, જામજોધપુર નગરપાલિકા પ્રમુખ રવિભાઇ, જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ ધાનાભાઇ બેરા, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ચેતનભાઇ, વાસ્મોના ડિરેક્ટર વૈષ્નાણી તથા અન્ય મહાનુભાવો, અધિકારીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.