જામનગરના સુમેર ક્લબ રોડ પર આવેલી હાથી કોલોનીની શેરી નં. 1માં રહેતા પ્રિયંકાબેન વલ્લભભાઈ પટેલ નામના શિક્ષિકાએ પોતાના લગ્ન માટે બાયોડેટા શાદી ડોટ કોમ નામની વેબસાઈટ પર મૂક્યો હતો, ત્યારબાદ પ્રિયંકાબેનને રાહુલ નામના એક યુવાને મેસેજ કરી સંપર્ક કેળવ્યા પછી પોતે વિદેશ હોવાનું અને ૫ોતે ડોક્ટર હોવાનું જણાવ્યું હતું. પ્રિયંકાબેન સાથે ઘનિષ્ઠતા વધારી હતી. તે દરમિયાન રાહુલે ભેટ સ્વરૂપે યુએસએથી એક પાર્સલ મોકલાવ્યું છે. તેને સ્વીકારી લેવા પ્રિયંકાબેનને જણાવતા તેણીએ કોઈ ભેટ જોઈતી નથી તેમ કહ્યું હોવા છતાં પાર્સલ છોડાવી તેને જોવા માટે રાહુલે દબાણ કર્યું હતું.
1 ઓેક્ટોબરના દિવસે રાહુલે આ પાર્સલ કસ્ટમમાં ફસાઈ ગયું છે, તેમાં મોબાઈલ, લેપટોપ, સોનાના દાગીના છે, તેમ જણાવ્યાં પછી સુમાકુમારી નામની યુવતીએ ફોન કરી પ્રિયંકાબેનને આ પાર્સલ છોડાવવા માટે રકમ ભરવાની થશે તેમ કહી ઈન્ડસ બેંક, કોટક બેંકના ચાર ખાતા અને HDFC બેંકના બે ખાતામાં પૈસા જમા કરાવવા કહ્યું હતું.
ઉપરોક્ત માયાજાળમાં ફસાઈ ગયેલા પ્રિયંકાબેને કટકે-કટકે સાતેય બેંક ખાતામાં રૂપિયા 36,82,000ની રકમ જમા કરાવી હતી. તે પછી રાહુલ અને સુમાકુમારીએ તેઓની સાથે છેતરપિંડી કરી હોવાનું જણાઈ આવતા પ્રિયંકાબેને શનિવારે સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે IPC 406, 420, 114, આઈટી એક્ટની કલમ 66 (D) હેઠળ ગુન્હો નોંધી સાયબર ક્રાઈમ સેલે તપાસ આરંભી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ, રાહુલના માતા શિક્ષિકા પ્રિયંકાબેનને પોતાના વહુ માનતા હોવાનું પણ બહાર આવ્યું છે. ભાવી પુત્રવધૂ માટે તેઓએ દાગીના, મોબાઈલ વગેરે મોકલ્યા હોવાનું પણ પ્રિયંકાબેનને જણાવવામાં આવ્યું હતું. આ બાબતે એસપી શરદ સિંઘલે આજે એક વાતચીતમાં જણાવ્યું કે, વિદેશથી કોઈપણ માલસામાન આવતો હશે અને જો તે ચીજવસ્તુ કસ્ટમ ક્લીયરીંગમાં કોઈ કારણથી અટવાઈ હશે તો તે બાબતની ઈન્ક્વાયરી કરવા માટે કસ્ટમની ઓફિશ્યલ વેબસાઈટનો સંપર્ક કરવો હિતાવહ છે, જ્યારે આવી કોઈ બાબત હશે તો જે-તે વ્યક્તિને કસ્ટમ દ્વારા મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે જેથી લોકો આવી રીતે છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકશે.