જામનગર: બેડીગેટ વિસ્તારમાં આવેલ શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવના સભ્યો દર વર્ષે ગણપતિ ઉત્સવમાં કંઈક અનોખો જ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો પ્રયાસ હાથ ધરતા હોય છે. ત્યારે સતત 8 વખત વિશ્વ વિક્રમ સર્જીને આ વર્ષે પણ નવમી વખત એક નવો વિશ્વ વિક્રમ સર્જવાનો પ્રયાસ શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દ્વારા હાથ ધરાયો છે. આજના સમયમાં લોકોમાં સાક્ષરતાનો વ્યાપ વધે તેવા શુભ હેતુ સાથે વિશ્વની સૌથી લાંબી બોલપેન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
'છેલ્લા પંદર દિવસથી તમામ આયોજકો ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ બનાવી રહ્યા છે. આઠ વખત ગીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને હવે નવમી વખત ગીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાન મળશે તેવી આશા છે તો બોલ પેન બનાવવા પણ દસ દિવસથી કામ ચાલી રહ્યું છે. વીસ ફૂટ લાંબી બોલ પેન બનાવવામાં આવી છે' - ભરતસિંહ પરમાર, આયોજક
'દર વર્ષે અવનવી થીમ પર ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગયા વર્ષે વિશ્વની સૌથી લાંબી માર્કર પેન બનાવ્યા બાદ આ વર્ષે બોલપેન બનાવવામાં આવી છે તો વિશ્વનો સૌથી મોટો ઉંદર પણ બનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને કોથળા, ઘાસ અને વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવે છે.'- પ્રમુખ, દગડુ શેઠ ગણપતિ ઉત્સવ સમિતિ
શિક્ષણ થીમ પર ઉજવણી: તાજેતરમાં ભારતે ચંદ્રયાન ત્રણ મોકલી અને સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે ત્યારે ભારતના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ સમિતિ દ્વારા શિક્ષણ થીમ પર આ વર્ષે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને આયોજકો દ્વારા છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જામનગરના પ્રખ્યાત દગડુ શેઠ ગણપતિ ઉત્સવમાં મોટી સંખ્યામાં જામનગરવાસીઓ દર્શન માટે ઉમરતા હોય છે. ખાસ કરીને સાંજની આરતીમાં અહીં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે.