જામનગરઃ મહાનગરપાલિકાના કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નરની રાહબરી હેઠળ જામનગર શહેરના જૂના સેટઅપ મુજબ વોર્ડ પ્રમાણે 32 એસ.એસ.આઈની નિમણૂક કરવામાં આવી છે અને જામનગર શહેરમાં લોકડાઉન દરમિયાન સવારે 6 વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જે દુકાનદારો અથવા તો શાકભાજીની રેકડીના વિક્રેતાઓ પોતાના ધંધાના સ્થળે લોકોની ભીડ એકત્ર કર છે અને લોક ડાઉનલોડનો ભંગ કરી રહ્યા છે. તેવા વિક્રેતાઓને કડક ચેતવણી આપી છે.
લોકડાઉન-2ની અમલવારી શરૂ થઈ છે, ત્યારે જુદા જુદા વિક્રેતાઓને ત્યાં એક મીટરનું અંતર જાળવીને જ લોકો ખરીદવા માટે આવે તેવી વ્યવસ્થા ગોઠવવા જાણ કરવામાં આવી છે. અન્યથા જો કોઈ વેપારીઓ પોતાના ધંધાના સ્થળે ભીડ એકઠી કરશે તો તેની સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. 32 એસ એસ આઈની ટીમ હેઠળ ગઈકાલે 22 વેપારીઓ દંડાયા હતા અને તેઓ પાસેથી 200 રૂપિયા લેખે રૂપિયા 4,400નો દંડ વસૂલ કરી લેવામાં આવ્યો છે.
ઉપરાંત તમામ વોર્ડમાં સવારે 6 વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. લોકડાઉનનો ભંગ કરનાર વેપારીઓ તેમજ ભીડમાં એકત્ર થનાર લોકો પાસેથી પણ 200 રૂપિયાના દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરાશે. આ પ્રક્રિયા લોકડાઉન-2ના સમયગાળા દરમિયાન પ્રતિદિન હાથ ધરવામાં આવી છે. તેમ મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલ દ્વારા જણાવાયું છે. જેથી લોકોએ ખરીદી કરવા માટે જરૂરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.