જામનગર: શહેરમાં દિવસે દિવસે રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય અને અસ્વીકાર્ય બની રહ્યો છે. ક્યારેક ટ્રાફિકજામ તો ક્યારેક આખલા યુદ્ધને કારણે નુકસાન થાય છે. ગુરુદ્વારા ચોકડી પાસે બુલ ફાઈટ જોવા મળતા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. સતત 20 મિનિટ સુધી ચાલેલી આ ફાઈટમાં થોડા સમય માટે લોકોના જીવ પણ તાળવે ચોટી ગયા હતા.
આખલાઓનો ત્રાસ: ગુજરાતમાં હવે સિંહના મારણથી વધારે રખડતા ઢોરના કારણે મોત થઇ રહ્યા છે. એટલે હવે લોકોને જંગલના રાજા સિંહ કરતા રખડતા ઢોરથી ડર લાગે છે. જેના કારણે શહેરમાં તો ઘરની બહાર નિકળતા લોકોને ડર લાગે છે. જામનગરમાં આવેલ ગુરુદ્વાર ચોકડી પાસે બે આંખલા જાણે જામનગરની બજારમાં નહિં પરંતુ રણભુમીમાં પહોંચી ગયા હતા તેવું જોવા મળ્યું હતું. આ લડાઇમાં ત્રણ જેટલા વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. જામનગરમાં ભૂતકાળમાં અનેક લોકો રખડતા ઢોરના અકસ્માતનો ભોગ બન્યા છે. જેમાં મહિલાઓના મોત પણ નીપજ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ સ્ટેન્ડિંગ કમિટીમાં 88 કરોડના ખર્ચે રખડતા ઢોર પર કાબુ મેળવવા માટે નો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો.
તંત્રના આંખ આડા કાન: રખડતી રંજાડની જામનગર મહાનગરપાલિકા માહિતી હોવા છતા કોઇ ઠેસ પગલા લેવામાં આવી રહ્યા નથી. જેના કારણે એવું કહેવું ખોટું નથી કે તંત્ર પોતે બધું જોવા છતા આંખ આડા કાન કરી રહ્યું છે. જોકે આ આખલાની લડાઇમાં કોઇ જાનહાની થઇ ન હતી. પંરતુ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આખલાઓનો ત્રાસ હજુ પણ જામનગરમાં જ્યાં જુઓ ત્યાં જોવા મળે છે. 20 મિનિટ સુધી આખલાના મેઇન રોડ પર યુદ્ધ કરતા નજરે પડ્યા હતા.
આ પણ વાંચો Jamnagar News : અનંત અંબાણીએ વિશ્વપ્રસિદ્ધ મંદિરે શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી
નેતાઓને પણ નથી મૂકયા: ગુજરાતમાં અનેક વાર લોકો આખલાની અડફેટે આવી જતા ઈજાગ્રસ્ત બની રહ્યા છે. આ રખડતી રંજાડે તો રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ આખલાની અડફેટે લઇ લીધા હતા. પરંતુ હજુ પણ આ રખડતા ઢોરનો કોઇ ઉપાય કરવામાં આવ્યો નથી. થોડા સમય પહેલા અમરેલીમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં પણ બે આંખલાઓ બાખડીયા હતા. લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જામનગરના મેઇન રોડ પર આખલાઓનું ધીંગાણું જોવા મળ્યું હતું.જામનગર મહાનગરપાલિકા દ્વારા અવારનવાર વિવિધ એક્શન પ્લાનો રખડતા ઢોર માટે કરવામાં આવે છે પણ તે માત્ર કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે હજુ પણ જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ પહેલા જેવો જ જોવા મળી રહ્યો છે.