જામનગર: જામનગરના અલંગ તરીકે જાણીતા સચાણા શિપ બ્રેકિંગ યાર્ડનો 11 વર્ષ બાદ વિવાદ ઉકેલાયો છે. સચાણા ખાતે પ્રથમ શિપ બ્રેકિંગ માટે પહોંચતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
શું હતો મામલો: ગુજરાત મેરીટાઈમ બોર્ડ, વન પર્યાવરણ વિભાગ તથા રાષ્ટ્રીય અભ્યારણ્ય સંબંધિત વિવાદોના કારણે સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યું હતું અને સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. 2012-13થી સચાણા શિપયાર્ડમાં શિપબ્રેકિંગ કામગીરી બંધ કરાતાં હજારો લોકો બેરોજગાર બન્યા હતા. જામનગરનું સચાણા શિપ યાર્ડ છેલ્લા 11 વર્ષથી બંધ હાલતમાં હતું.
11 વર્ષ બાદ ઉકેલાયો વિવાદ: જામનગરના સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુબેરા સહિતના આગેવાનોએ શિપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા રજૂઆત કરી હતી. વર્ષ 2020માં સરકારે સંચાના શિપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ થશે તેવી જાહેરાત કરી હતી. 11 વર્ષની કાયદાકીય લડાઈ બાદ કોર્ટમાંથી સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ ફરીથી શરૂ કરવાની લીલી ઝંડી આપવામાં આવી હતી.
રોજગારીની નવી તકો મળશે: સચાણા શિપ યાર્ડ 1977માં શરૂ કરવામાં આવ્યું હતું. જેના થકી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી મળતી હતી. તો સાથે અન્ય જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં માછીમારો રોજગારી માટે આવતા હતા. વર્ષ 2020માં હાઇકોર્ટના ચૂકાદા બાદ સચાણા શિપ બ્રેકિંગ યાર્ડમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકારે વર્ષ 2022માં 25 કરોડ, 2023માં 24 કરોડ ફાળવ્યા છે. સચાણા શિપ યાર્ડ ફરીથી ધમધમતું થતાં સ્થાનિક માછીમારો જણાવી રહ્યા છે કે હવે રોજગારીની નવી તકો ખુલશે.